મહેમદાવાદના માંકવા નજીક 63.77 લાખના દારૂ સાથે ટેન્કર ચાલક ઝડપાયો
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનની પૂર્વ રાત્રીએ
- બાડમેરના શખ્સે દારૂ અમદાવાદ પહોંચાડવાનું જણાવ્યું હોવાની કબૂલાત : 73.88 લાખનો મુદ્દામાલ જપ્ત, 4 સામે ગુનો
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર મહેમદાવાદના માંકવા ગામ નજીક પેટ્રોલપંપ પાસે રાજસ્થાન પાસિંગનું એક ટેન્કર શંકાસ્પદ જથ્થો ભરીને ઉભું હોવાની શનિવારે મોડી રાત્રે ખેડા એસઓજીને બાતમી મળી હતી. જેના આધારે એસઓજી ટીમ બાતમી મુજબના સ્થળે પહોંચી હતી અને ટેન્કર ચાલકની પૂછપરછ હાથ ધરી હતી. જેથી ટેન્કરમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂ હોવાનું ટેન્કર ચાલક રામારામ ભુરારામ ચૌધરી (ઉં.વ. ૩૯, રહે. જેતાણિયો કી ઢાંણી, ખુડાસા, બાડમેર, રાજસ્થાન)એ જણાવ્યું હતું. જેથી એસઓજીએ ટેન્કરમાં તપાસ હાથ ધરતા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ ભરેલા ૭૯૨ બોક્સ મળી આવ્યા હતા. એસઓજીએ રૂ. ૬૩,૭૭,૫૨૦ની કિંમતની વિદેશી દારૂની ૨૦,૧૬૦ બોટલો જપ્ત કરી ડ્રાઈવરની વધુ પૂછપરછ કરતા મુકેશ દેવાસી (રહે. સાચોર, બાડમેર, રાજસ્થાન)એ બાલોતરાથી ખાલી ટેન્કર આપી પંજાબ-ભટીંડા હાઈવે ઉપરથી ટેન્કર ભરી આપ્યું હતું. તેમજ અમદાવાદ પહોંચી મુકેશને ફોન કરી તે જે જગ્યાએ કહે તે સ્થળે દારૂ પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી. એસઓજીએ રૂ.૬૩.૭૭ લાખનો વિદેશી દારૂ, મોબાઈલ, રૂ.૬,૧૦૦ રોકડ, ટેન્કર મળી કુલ રૂ. ૭૩,૮૮,૬૨૦નો મુદ્દામાલ જપ્ત કરી ચાલક રામારામ ચૌધરી, મુકેશ દેવાસી, ટ્રકનો માલિક અને દારૂ મંગાવનારા શખ્સ સામે મહેમદાવાદ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.