આવતીકાલથી તાના-રીરી મહોત્સવનો થશે પ્રારંભ, વડનગરમાં ઉમટશે સંગીત ક્ષેત્રના મહારથીઓ
Tana-Riri Festival : મહેસાણા જિલ્લાના વડનગરમાં નાગર બ્રાહ્મણો દ્વારા 550 વર્ષ પહેલા શરુ કરેલી સંગીત પરંપરાને આજે તાના-રીરી મહોત્સવ થકી ઉજાગર કરવામાં આવે છે, ત્યારે વડનગરમાં આવતી કાલે રવિવારથી (10 નવેમ્બર) તાના-રીરી મહોત્સવનો પ્રારંભ થશે. જેમાં સંગીત ક્ષેત્રના મહારથીઓ વડનગર ખાતે મહોત્સવમાં હાજર રહેશે.
વર્ષ 2003માં વડનગરથી તાતા-રીરી મહોત્સવની શરુઆત કરવામાં આવી હતી. જેમાં દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આવતી કાલથી બે દિવસ તાના-રીરી સમાધિ સ્થળ ખાતે આ સંગીત મહોત્સવ યોજાશે.
સંગીત મહોત્સવમાં આ કલાકારો રહેશે ઉપસ્થિત
આ સંગીત મહોત્સવમાં આવતી કાલે રવિવારે (10 નવેમ્બર) પંડિત નીરજ એન્ડ અમી પરીખ ગ્રૂપ સહિત ઓસમાણ મીર, કુ. મૈથિલી ઠાકુર અને 11 નવેમ્બર સોમવારે શશાંક સુબ્રમણ્યમ, પાર્થિવ ગોહિલ વગેરે કલાકારો સંગીત મહોત્સવમાં હાજર રહીને પોતાના સૂરની પ્રસ્તુતિ કરશે.
તાના-રીરી કોણ હતા?
મલ્હાર રાગમાં પારંગત તાના અને રીરી ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ છે. સંગીત સમ્રાટ તાનસેન દ્વારા ગાયેલા દીપક રાગથી તેમના શરીરમાં ઉત્પન્ન થયેલી દાહને બંને બહેનોએ શાંત કરી હતી. બાદશાહ અકબરને આ વાતની જાણ થતાં તાના અને રીરી બંને બહેનોને પોતાના દરબારમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આ માંગણી સ્વીકારવાને બદલે બંને બહેનોએ આત્મબલિદાન આપવાનું પસંદ કર્યું.
શાસ્ત્રીય સંગીતની મહિલા પ્રતિભાઓને એનાયત થાય છે આ ઍવોર્ડ
તાના અને રીરી બંને બહેનોની યાદમાં વર્ષ 2010માં રાષ્ટ્રકક્ષાના ‘તાના-રીરી સંગીત સન્માન ઍવોર્ડ’ની શરુઆત થઈ. જેમાં તાના-રીરી ઍવોર્ડથી સન્માનિત શાસ્ત્રીય સંગીતની મહિલા પ્રતિભાઓને 2.50 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર, તામ્ર પત્ર અને શાલ અર્પણ કરવામાં આવે છે. આ ઍવોર્ડ સૌપ્રથમ ખ્યાતનામ સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને એનાયત કરાયો. આ વર્ષના તાના-રીરી મહોત્સવમાં ડૉ. શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલી અને સુશ્રી વિદુષી પદ્મા સુરેશ તલવલકરને મુખ્યમંત્રીના હસ્તકે ઍવોર્ડ આપવામાં આવશે.