તાલાલાના માધુપુરમાં આફ્રિકાથી આવીને વસેલા સીદી સમુદાયના લોકોએ પારંપરિક વેશભૂષામાં મતદાન કર્યું
‘વસુધૈવ કુંટુંબકમ્’ની ભાવના સાથે મતદાન મથક તૈયાર કરાયું
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે મતદારોએ અનેક સંદેશા સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. આજે ઉમેદવારો અને નેતાઓની સાથે સામાન્ય મતદાર પણ અલગ પ્રકારે જ મતદાન મથકે પહોંચ્યા હતાં. ખેડૂતો બળદગાડામાં, કોઈ ઘોડા પર સવાર થઈને આવ્યું હતું. પરંતુ એક એવું મતદાન કેન્દ્ર છે જ્યાં એક સમુદાયના લોકો પારંપરિક વસ્ત્રો પહેરીને મતદાન કરવા પહોંચ્યા હતાં.
‘વસુધૈવ કુંટુંબકમ્’ની ભાવના સાથે મતદાન મથક તૈયાર કરાયું
તલાલા વિધાનસભા મતવિસ્તારના માધુપુરમાં ‘વસુધૈવ કુંટુંબકમ્’ની ભાવના સાથે તૈયાર કરવામાં આવેલાં મતદાન મથક પર આફ્રિકાથી આવીને વસેલા સીદી સમુદાયના મતદારોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શનથી માધુપુરમાં ઉભા કરાયેલા ‘વસુધૈવ કુટુમ્બકમ’ મતદાન મથક ખાતે સીદી સમુદાયના મતદારોએ પરંપરાગત વેશભૂષામાં મતદાન કર્યું હતું.
સીદી સમુદાયની સંસ્કૃતિ મતદાન મથક પર દેખાઈ
આ વિશિષ્ટ મતદાન મથક આફ્રિકાથી આવીને વસેલા સીદી સમુદાયની સંસ્કૃતિ દર્શાવતું ‘વસુધૈવ કુટુંબકમ્’ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. માધુપુરમાં મતદાન મથકમાં એક મંડપમાં સીદી સમાજને લગતા વાદ્યો, તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલા ચિહ્નો અને વસ્તુઓ સજાવવામાં આવી હતી. જેથી અન્ય મતદારો પણ સીદી સમાજના જૂના અને ભવ્ય ભૂતકાળની ઝલક જોઈ શકે અને મતદાન કરી પોતાનું યોગદાન આપી શકે છે. ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને ઉજાગર કરતું માધુપુર-જાંબુરનું મતદાન મથક આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું.
ખેડૂતો બળદ ગાડામાં મતદાન કરવા નીકળ્યા
લોકશાહીના પર્વને ઉજવવામાં ખેડૂતોમાં થનગનાટ જોવા મળ્યો છે. અમરેલી-સાવરકુંડલાના આંબરડી ખાતે આજે ખેડૂતો બળદ ગાડામાં મતદાન કરવા નીકળ્યા હતા બળદ ગાડામાં ખેડૂતો જય જવાન જય કિસાન ના નારા ઓ નાખતા મતદાન મથકે પહોંચ્યા હતા. વિગતો મુજબ ખેડૂત નેતા મહેશ ચોડવડીયા સહપરિવાર બળદ ગાડામાં મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં મતદાન મથકની બહાર બળદ ગાડું છોડીને ખેડૂતો મતદાન કરવા પહોંચ્યા હતા.