ડો.શ્રીવાસ્તવને અપાયેલી કર્નલની માનદ પદવી પાછી લેવા કાર્યવાહી કરવામાં આવે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે રાજીનામુ આપનારા ડો.વિજય શ્રીવાસ્તવને અપાયેલી કર્નલની માનદ પદવી પાછી લેવામાં આવે તે માટે યુનિવર્સિટી આગળની કાર્યવાહી કરે.અને તેની સાથે સાથે તેમને મળેલા પગાર, ભથ્થા અને વિદેશ યાત્રાનો ખર્ચ વસુલ કરવામાં આવે તેવી માગણી કરતો પત્ર એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના પ્રોફેસર સતીશ પાઠકે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને લખ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રો.પાઠકે જ હાઈકોર્ટમાં ડો.શ્રીવાસ્તવની શૈક્ષણિક લાયકાતને પડકારતી અરજી કરી હતી.હવે તેમણે પત્રમાં એવી પણ માગ કરી છે કે, યુનિવર્સિટી દ્વારા ખોટો બાયોડેટા બનાવીને રજૂ કરવા બદલ ડો.શ્રીવાસ્તવ સામે પોલીસ ફરિયાદ નોધાવવામાં આવે.તેમણે લીધેલા વિવાદિત નિર્ણયોની તપાસ માટે તટસ્થ સમિતિ બનાવવામાં આવે.સાથે સાથે તેમની પાસેથી વહેલી તકે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરનો બંગલો ખાલી કરાવવામાં આવે.પ્રો.પાઠકનું કહેવું છે કે, હાઈકોર્ટે ડો.શ્રીવાસ્તવના કાર્યકાળ દરમિયાન જ્યાં જ્યાં પણ વાઈસ ચાન્સેલર તરીકે તેમનું નામ દર્શાવતી તકતીઓ લાગી હોય તે હટાવવામાં આવે તથા એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી ડો.શ્રીવાસ્તવના કિચન કેબિનેટના સભ્યોને પણ દૂર કરીને તેની જગ્યાએ બીજા અધ્યાપકોની નિમણૂક કરવામાં આવે.
બંગલો ખાલી કરવા અંગે યુનિ.પાસે કોઈ જાણકારી નથી, અધ્યાપકોના વોટસએપ ગુ્રપ પણ છોડયા નથી
યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, ડો.શ્રીવાસ્તવ વાઈસ ચાન્સેલર તરીકે એક નહીં પરંતુ બે-બે ગાડીઓનો ઉપયોગ કરતા હતા.આ ગાડીઓ તો હેડ ઓફિસ ખાતે જમા કરાવી દેવામાં આવી છે પરંતુ તેમણે વાઈસ ચાન્સેલરનો સત્તાવાર બંગલો ખાલી કર્યો નથી.તેઓ આ બંગલો ક્યારે ખાલી કરશે તેની પણ કોઈ જાણકારી યુનિવર્સિટી પાસે નથી.ડો.શ્રીવાસ્તવ વાઈસ ચાન્સેલર તરીકે યુનિવર્સિટીમાં વિવિધ કામગીરી માટે બનાવાયેલા સત્તાવાર વોટસએપ ગુ્રપમાં સ્વાભાવિક રીતે હતા પરંતુ રાજીનામુ આપ્યા બાદ પણ તેઓ આ વોટસએપ ગુ્રપ છોડી રહ્યા નથી અને આ મુદ્દો અધ્યાપક આલમમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.