Get The App

વઢવાણમાં મુદ્દલના ત્રણ ગણા ચુકવ્યાં છતાં પઠાણી ઉઘરાણી કરતા ત્રણ સામે ફરિયાદ

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
વઢવાણમાં મુદ્દલના ત્રણ ગણા ચુકવ્યાં છતાં પઠાણી ઉઘરાણી કરતા ત્રણ સામે ફરિયાદ 1 - image


- પોલીસના લોક દરબાર વચ્ચે વ્યાજખોરો બેફામ

- રાજપર રોડ પર રહેતા નિવૃત તલાટીએ ત્રણ વ્યક્તિ પાસેથી ૧૦થી ૨૦ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા

સુરેન્દ્રનગર : વઢવાણના રાજપર રોડ પર રહેતા શખ્સે ત્રણ શખ્સો પાસેથી વ્યાજે લીધા બાદ ત્રણેય શખ્સોને મુદ્દલ કરતા પણ વધુ વ્યાજ ચુકવી દીધું હોવા છતાં વ્યાજ તેમજ મુળ રકમની કડક ઉધરાણી કરી ધમકી આપતા હોવાની ભોગ બનનાર શખ્સે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

વઢવાણના રાજપર રોડ પર આવેલ બજરંગ ફલેટમાં રહેતા જગદીશભાઈ કનૈયાલાલ (નિવૃત તલાટી)એ તેમની વિરૂધ્ધ થયેલ એસીબીના કેસ મામલે તેમજ પત્નીની સારવાર માટે વર્ષ ૨૦૨૨માં ત્રણ શખ્સો ભૂપતસિંહ પાસેથી રૂા.૮૦,૦૦૦, ૧૦ ટકા વ્યાજે, દેવકરણ ઉર્ફે ડેકાલાલ મીર પાસેથી રૂા.૫૦,૦૦૦, ૧૫ ટકા વ્યાજે અને કિરિટસિંહ ઉર્ફે કિરતસિંહ જાદવ પાસેથી રૂા.૧,૦૦,૦૦૦, ૮ ટકાના વ્યાજે લીધા હતા.

ત્યાર બાદ વધુ રૂપિયાની જરૂર પડતા તેમની પાસેથી  રૂા.૬૦,૦૦૦, ૨૦ ટકા વ્યાજે લીધા હતા. આ શખ્સોને ફરિયાદીએ વ્યાજ પેટે મુળ રકમ કરતા બેથી ત્રણ ગણી રકમ ચુકવી દીધી હતી હોવા છતાં આ ત્રણેય શખ્સો આપેલ રકમ અને વ્યાજની કડક ઉધરાણી કરતા હતા. જેમાં ફરિયાદીએ ભુપતસિંહને રૂા.૮૦,૦૦૦ની સામે રૂા.૨,૪૦,૦૦૦, દેવકરણભાઈને રૂા.૫૦,૦૦૦ સામે રૂા.૧,૩૫,૦૦૦ અને કિરિટસિંહને રૂા.૧,૦૦,૦૦૦ સામે રૂા.૧,૪૪,૦૦૦ અને રૂા.૬૦,૦૦૦ સામે રૂા.૭૨,૦૦૦ ચુકવી દીધા હતા. આથી ફરિયાદીએ મુળ મુદ્દલ કરતા પણ વધુ રકમ વ્યાજ પેટે ચુકવી દીધી હોવા છતાં ત્રણેય શખ્સો અવાર-નવાર ફરિયાદીને મોબાઈલ પર આપેલ રકમ અને વ્યાજની કડક ઉઘરાણી કરી ધમકી તેમજ ગાળો આપતા હતા જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ ભુપતસિંહ કારડીયા રાજપૂત (રહે.બજરંગ સોસાયટી, રાજપર રોડ), દેવકરણ ઉર્ફે ડેકાલાલ મીર, (સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાનનો ગલ્લો) અને કિરિટસિંહ ઉર્ફે કિરતસિંહ જાદવ (રહે.દાળમીલ રોડ) સામે ફરિયાદ નોંધાવતા બી-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અવાર-નવાર વ્યાજખોરીનું દુષણ ડામવા લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે પરંતુ તેમ છતાંય જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા બાદ કડક ઉધરાણી કરી માનસીક ત્રાસ ગુજારતા વ્યાજખોર શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.


Google NewsGoogle News