ઉનાળાનાં વીજલૉડને પહોંચી વળવા તંત્ર સજ્જ : 376 ટ્રાન્સફોર્મર બદલ્યા
- આ વર્ષે ઉનાળામાં લાઈટ જવાની ફરિયાદોમાં ઘટાડો થવાનો તંત્રનો દાવો
- ગરમીમાં વીજલૉડ વધતાં ટ્રિપિંગ, ટ્રાન્સફોર્મર બળી જવાની ફરિયાદો અને વીજ વિક્ષેપ ઘટાડવા તંત્રએ આગોતરૂં આયોજન કર્યું
સામાન્ય દિવસોની સરખામણીએ ઉનાળાના દિવસોમાં વીજ વપરાશ સૌથી વધારે રહેતો હોવાથી વીજ ટ્રાન્સફાર્મર પર લૉડ વધે છે અને તેના કારણે ટ્રિપિંગ થવાથી કે ટ્રાન્સફોર્મર બળી જવાથી વિજ પુરવઠો ખોરવાયાના બનાવો બને છે ત્યારે આગામી ઉનાળાના દિવસોમાં વીજલૉડને પહોંચીવળવા પીજીવીસીએલ દ્વારા રિવેમ્પ્ડ્ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કિમ હેઠળ શહેર અને જિલ્લામાં લાગેલા અલગ-અલગ કેપેસિટિના ટ્રાન્સફોર્મને સ્થાને તેના વપરાશના આધારે વધારે કેપેસિટિના ટ્રાન્સફોર્મ મુકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર શહેર અને જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ લાગેલા જુદાં-જુદાં કેવીના ટ્રાન્સફોર્મરના સ્થાને વધારે કેપેસિટિવાળા ટ્રાન્સફોર્મર મુકાયા છે. જેમાં ભાવનગર શહેર જિલ્લામાં ૬૩ કેવીના કુલ ૪૩ ટ્રાન્સફોર્મર, ૧૦૦ કેવીના ૧૪૨ ટ્રાન્સફોર્મર અને ૨૦૦ કેવીના ૧૯૧ ટ્રાન્સફોર્મર બદલાવાયા છે. જેમાં ભાવનગર શહેરમાં સૌથી વધારે ૨૭૯ ટ્રાન્સફોર્મર બદલાવાયા છે અને આગામી દિવસોમાં હજુ પણ જરૂરિયાતના આધારે મોટી કેપેસિટિવાળા ટ્રાન્સફોર્મર બદલાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ઉનાળાના દિવસોમાં વીજ વપરાશ વધવાથી ટ્રિપિંગ, ટ્રાન્સફોર્મર બળી જવા તથા વીજ પુરવઠો ખોરવાયાના બનાવો વધે છે ત્યારે ઉનાળાના દિવસોમાં લૉડ વધવાથી આવા બનાવો ઓછામાં ઓછા બને તે માટે વીજતંત્ર દ્વારા આગોતરું આયોજન કરાયું છે.