સ્વામીઓ નહીં સુધરેઃ જલારામ બાપા પછી ચારણબાઈ અંગે વિવાદી ટીપ્પણી
હળવદમાં હરીકૃષ્ણસ્વામીનો કથામાં બકવાસ-ચારણબાઈનો દોરો જોઈને સ્વામિનારાયણ દર્શન આપ્યા વગર પરત ગયા! : ચારણ સમાજમાં આક્રોશ : હિન્દુઓના દેવી-દેવતા-સંતોને હલકા ચીતરવાથી જ સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વ વધવાનું હોય તે રીતે સ્વામીઓનો સતત વાણીવિલાસ : નીલકંઠ ચરિત્ર,સત્સંગ વિહાર જેવા પૂસ્તકોમાં પણ વિવાદીત ટીપ્પણીઆ
રાજકોટ, : વીરપુરના પૂ. જલારામ બાપા વિષે મનઘડત વાતો ઉભી કરીને જ્ઞાાનપ્રકાશ સ્વામીએ કરેલા ઉચ્ચારણો સામે સમસ્ત હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી છે અને આજે પણ આ મુદ્દે રોષ ઠલવાઈ રહ્યો છે અને આ સ્વામીએ આ ઉચ્ચારણો બદલ માફી માંગી છે ત્યારે મોરબી જિલ્લાના હળવદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરીકૃષ્ણ સ્વામીએ એક કથામાં ચારણબાઈ વિષે વિવાદીત ટીપ્પણી કરતા ચારણ સમાજ સહિત હિન્દુઓમાં રોષની લાગણી જન્મી છે.
પોતાના નામ સનાતન ધર્મના શબ્દો,દેવી-દેવતાઓના નામ ઉપર રાખીને એ જ ધર્મ અને દેવીદેવતાઓને હલકાં ચીતરતા અને આમ કરવાથી જ સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વ વધવાનું હોય તેવો એજન્ડીા હોય તે રીતે એક પછી એક સ્વામીઓ તદ્દન જુઠી વાતો ઉભી કરીને જાણીબુઝીને પહેલા દેવી,દેવતા,સંતોનું અપમાન થાય તેવું નિવેદન કરે છે અને પછી માફી માંગી લે છે.
મોરબીથી અહેવાલો મૂજબ જીવરાજભાઈ નામના કોઈ વ્યક્તિએ ચારણબાઈએ મંત્રેલો દોરો પહેર્યો હતો અને એ જોઈને સ્વામિનારાયણ ભગવાન તેમને દર્શન આપ્યા વગર ચાલ્યા પરિવાર પાસે ગયા અને તેમને કહ્યું કે ચારણબાઈનો દોરો પહેર્યો હતો તેથી હું પાછો ફર્યો. આવી પ્રથમનજરે જ ઉપજાવી કાઢેલી વાતનો વિડીયો વાયરલ થતા ચારણ સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે. આક્રોશ વધતો આ સ્વામીનો હળવદ પંથકમાં સંપર્ક કરવા પ્રયાસ કરતા તે ગાયબ થઈ ગયા હતા અને બાદમાં એવો વિડીયો જાહેર કર્યો હતો કે શરતચૂકથી તેમનાથી બોલાઈ ગયું હતું તેમ કહીને માફી માંગી હતી.
આમ, છાશવારે હિન્દુ દેવી-દેવતા, સંતોને હલકાં ચીતરવા અને પછી માફી માંગી લેવી તેવો સિલસિલો શરૂ થતા સમસ્ત હિન્દુ, સનાતન ધર્મી સમાજમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આવા સ્વામીઓ સામે આક્રોશ ફેલાયો છે. આમ છતાં સંપ્રદાય દ્વારા હજુ આવા સ્વામીઓની જીભ ઉપર કેમ નિયંત્રણ નથી રખાતું કે પછી તેમને બીજા દેવી-દેવતાને નીચા દેખાડીને જ સ્વામિનારાયણ ભગવાનનું મહત્વ વધારવાના કુસંસ્કાર અપાયા છે તેવો સવાલ લોકોમાં જાગ્યો છે.
બીજી તરફ, જલારામ બાપા વિષેના એલફેલ ઉચ્ચારણોથી રોષ જારી રહ્યો છે, આજે બપોરે ઉપલેટામાં રઘુવંશી સહિતના સમાજના લોકોએ સ્વામી જ્ઞાાનપ્રકાશ વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરીને રેલી સ્વરૃપે મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે જેતપુરમાં રઘુવંશી સમાજે તીનબત્તી ચોકથી રામધૂન બોલાવીને રેલી સ્વરૃપે મામલતદાર કચેરીએ આવેદન આપીને જણાવ્યું કે આ સ્વામીએ લોહાણા સમાજ અને જલારામ બાપાના લાખો ભક્તોનુ ઘોર અપમાન કર્યું છે, તે સ્વામી જાહેરમાં વીરપુર આવી માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન કરાશે.