સ્વામીનારાયણ સંપ્રદાયના દિનેશ પ્રસાદનો બફાટ, કહ્યું- 'મંદિરોમાંથી દેવી-દેવતાઓને કાઢવાના છે'
સ્વામીનારાયણ સંપ્રદાયના આચર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે
આ વીડિયોમાં તે દેવી-દેવતાઓ તેમજ સનાતન ધર્મનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે
સ્વામીનારાયણના નૌતમ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યુ હતું ત્યારે હવે વધુ એક સ્વામીનારાયણના સ્વામીએ બફાટ કર્યો છે. સ્વામીનારાયણના આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે દેવી દેવતાઓ તેમજ સનાતનનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.
આપણે હવે કોઈ દેવી- દેવતા સાથે કોઈ લેવા દેવા નથી : આચાર્ય દિનેશ પ્રસાદ
વડતાલના નૌતમ સ્વામીએ નિવેદન આપ્યા બાદ રાજકોટના સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં આચાર્ય દિનેશ પ્રસાદ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ કહી રહ્યા છે કે સનાતનના દેવી દેવતાઓને મંદિરમાંથી કાઢવાના છે આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે તેમજ સ્વામિનારાયણ ભગવાન સનાતન ધર્મથી નારાજ થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી- દેવતા સાથે કોઈ લેવા દેવા નથી તેમજ આપણે અલગ ધર્મ બનાવવાનો છે અને હિંદુ ધર્મના એવા લોકો કે જે દેવી દેવતાને માનતા ન હોય તેમજ સનાતની સિવાય બધા ધર્મના લોકોને સ્વામીનારાયણ ભગવાન સ્વીકારશે. વીડિયોમાં આગળ બોલતા આચર્ય દિનેશ પ્રસાદ કહ્યું છે કે બીજા અન્ય ધર્મના લોકોએ મને ફોન કરીને મારી પાસે આવો, તમારા દુઃખ તેમજ રોગ બધું જ ભગવાન કાઢી આપશે. હવે સનાતન ધર્મવાળા કોઈએ પણ મારી બાજુ ફરકવાનું નથી. ભગવાનની આજ્ઞા સિવાય બધા સંપ્રદાયો બંધ થવાના છે અને આપણે મંદિરોમાંથી અન્ય દેવી-દેવતાઓને કાઢવાના છે.
આ પહેલા નૌતમ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યુ હતું
આ પહેલા વડતાલના નૌતમ સ્વામીએ નિવેદન આપતા કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનની હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. તેમજ ભગવાન સ્વામિનારાયણે કલયુગમાં જન્મ લઇ અધર્મનો નાશ કર્યો છે. આ ઉપરાંત વધુમાં તેણે કહ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે જે લોકો નથી માનતા એ લોકોને તકલીફ થઈ રહી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી.