'પ્રબોધસ્વામી રૂમની બહાર નીકળે ત્યારે દેવતાઓ...', સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ
બાકરોલના નિરંજન સ્વામીએ પોતાના ગુરુને હિંદુ ધર્મના દેવતાથી મહાન ગણાવ્યા
sokhda swaminarayan controversy : છેલ્લા કેટલા સમયથી રાજ્યમાં સનાતન ધર્મને લઇને વિવાદ ચાલી રહ્યો છે. એવામાં સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં સ્વામીએ સનાતન ધર્મ મામલે બફાટ કર્યો છે. બાકરોલના નિરંજન સ્વામીએ પોતાના ગુરુને હિંદુ ધર્મના દેવતાથી મહાન ગણાવ્યા હતા. નિરંજન સ્વામીના આવા નિવેદનથી સાધુ સમાજમાં રોષ જોવા મળ્યો હતો.
નિરંજન સ્વામીના નિવેદનથી સર્જાયો વિવાદ
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ જાહેરમાં બફાટ કર્યો જેના લીધે સનાતન ધર્મની લાગણીને ઠેસ પહોંચી છે. સોખડા સ્વામિનારાયણ મંદિરમાંથી અલગ થયેલા હરીપ્રબોધમ પરિવારના વધુ એક સ્વામીના વિવાદાસ્પદ પ્રવચનથી ખળભળાટ મચી ગયો છે. પ્રબોધ સ્વામીને દેવતાથી મહાન ચીતરવામાં આવતા વિવાદ સર્જાયો છે. નિરંજન સ્વામીએ તેમના નિવેદનમાં કહ્યું કે, પ્રબોધજીવન રૂમની બહાર નીકળે ત્યારે દેવતાઓ તેમના દર્શન માટે ઝુરતા હોય છે અને એમના દર્શન કરીને આનંદ-પુલકીત થાય છે. આ પ્રકારના નિવેદનને દેવતાઓનું અપમાન ગણવામાં આવી રહ્યું છે. અને ફરી એકવાર સનાતન ઘર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે શબ્દોની લડાઈ શરુ થઇ ગઈ છે.
મહંત જ્યોતિનાથે કહ્યું આ પ્રકારનુ નિવેદન ખરેખર અસહ્ય...
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીના આ પ્રકારના બફાટ બાદ સનાતન ઘર્મના એક મહંત દ્વારા એક પ્રતિક્રિયા સામે આવી છે. મહંત જ્યોતિનાથ મહારાજે આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા આપવામાં આવેલ આ પ્રકારનું નિવેદન ખરેખર અસહ્ય છે. આ પ્રકારના નિવેદનથી તમે શું સાબિત કરવા માંગો છો? આ પ્રકારના નિવેદન આપનારાને સજા થવી જોઈએ. આ મામલાને લઇ આજે જૂનાગઢમાં એક તાત્કાલિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આગળની કાર્યવાહી આ બેઠકમાં લેવામાં આવેલ નિર્ણય બાદ કરવામાં આવશે.