Get The App

ઇન્દ્રોડા પાર્કમાં સફેદ વાઘનું શંકાસ્પદ મોત, અંતિમ વિધિ વખતે ભાવુક દ્રશ્યો સર્જાયા

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
white tiger


Indroda Park: ગીર ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગરના એકમાત્ર પ્રાણી સંગ્રહાલયમાં ગણ્યાગાંઠયા પ્રાણી-પક્ષીઓ છે. તેમ છતા તેની જાળવણીના અને સાર-સંભાળના અભાવે એક પછી એક મૃત્યુના આંક વધી રહ્યા છે. જેના પગલે પ્રાણી-પક્ષી પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ રહી છે. આવી સ્થિતિમાં સામાન્યરીતે 15થી 17 વર્ષ જીવતા વાઘનું ગાંધીનગર ઇન્દ્રાડા પાર્કમાં ફક્ત પાંચ વર્ષની ઉંમરે મૃત્યું થયું છે. જે જાણીને ઘણા પ્રાણી પ્રેમીઓને આઘાત લાગ્યો છે આવી સ્થિતિમાં ગીર ફાઉન્ડેશનના સંચાલકો દ્વારા કોઇ ખુલાસા કરવામાં આવ્યા નથી જે ચોંકાવનારી બાબત છે. 

સાર-સંભાળના અભાવે મૃત્યુઆંક વધી રહ્યો છે 

ગીર ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગરના એકમાત્ર પ્રાણી સંગ્રહાલય ઇન્દ્રોડા પાર્ક ખાતે ગત વર્ષે ઓગસ્ટ માસના પ્રારંભે જ 'સૂત્રા' નામના ડાલામથા સિંહનું મોત થયું હતું. ત્યાર બાદ નવેમ્બર 2023માં 19 વર્ષના એક બંગાળ વાઘનું પણ વૃદ્ધાવસ્થાને કારણે મોત થયું હતું. બીજી તરફ, 'સૃષ્ટિ' નામની વાઘણનું પણ મોત નિપજ્યું હતું. આ વાઘણના મોત બાદ 'ગૌતમ' નામનો વ્હાઇટ ટાઇગર ઇન્દ્રોડા પાર્કમાં એકલો પડી ગયો હતો. 

ઇન્દ્રોડા પાર્કમાં વાઘના મોતના કારણે શોકનો માહોલ 

જો કે, તેની ઉંમર પણ નાની હતી તેમ છતા ગઇકાલે રાત્રે એકાએક તે હાલતો ચાલતો બંધ થઇ ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. આ દરમિયાન અધિકારીઓ અને ડોક્ટરો દોડી ગયા હતા પરંતુ તે પહેલા તો આ વ્હાઇટ ટાઇગર ગૌતમે શ્વાસ છોડી દીધો હતો. ગૌતમના મોતને લઇને ઇન્દ્રોડા પાર્કના સ્થાનિક સ્ટાફ અને કેજ કિપર સહિત તમામ કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

આ પણ વાંચો: 10 વર્ષ પહેલાં શાળામાંથી ચોરેલું ટીવી યાદગીરી માટે સાચવી રાખ્યું! પોલીસ પણ આશ્વર્યમાં પડી ગઈ

વાઘના મોતને લઇને અધિકારીઓએ કોઇ ખુલાસો નથી કર્યો 

એકાએક કોઇ પણ બિમારી કે રોગ વગર યુવાનીમાં સફેદ વાઘના મોતને લઇને અનેક તર્ક વિતર્ક પણ થઇ રહ્યા છે. તેની સાર-સંભાળ તથા જાળવણી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે પણ ગીર ફાઉન્ડેશનના અધિકારીઓ દ્વારા કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી કે વાઘનું મોત કઇ રીતે થયું છે. વાઘના મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરીને અગ્નિદાહ આપ્યો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. 

બેંગોલ ટાઇગર 'સૃષ્ટિ'નું 19 વર્ષે તો સફેદ વાઘ 'ગૌતમ'નું પાંચ વર્ષે મૃત્યુ

ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં વધતા જતા પ્રાણી-પક્ષીઓના મોતે ચિંતા ઉભી કરી છે અગાઉ નવેમ્બર, 2023માં બેંગોલ ટાઇગર પ્રજાતિની 'સૃષ્ટિ' નામની વાઘણનું 19 વર્ષે મોત નિપજ્યું હતું. નિષ્ણાતો દ્વારા મળતી માહિતી પ્રમાણે, સામાન્ય રીતે કેજમાં એટલે કે, જંગલમાં ન હોય અને પ્રાણી સંગ્રહાલય કે અન્ય રીતે પાંજરામાં હોય તેવા કિસ્સામાં વાઘનું આયુષ્ય 15 થી 17 વર્ષ જેટલું હોય છે.

તેમ છતા આ 'સૃષ્ટિ' નામની વાઘણ 19 વર્ષ સુધી જીવિત હતી તો આ જ ઇન્દ્રોડા પાર્કમાં વ્હાઇટ ટાઇગર આજે પાંચ વર્ષની નાની વયે મોતને ભેટયો છે. કેજમાં અન્ય પ્રાણીના શિકાર કે બીજી કોઇ બિમારી-રોગની શક્યતા રહેતી નથી તેમ છતા પાંચ વર્ષની ઉંમરે વાઘના મોતે સૌ કોઇને વિચારતા કરી દીધા છે. 

ડોક્ટરa દ્વારા પીએમ બાદ વાઘની રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમવિધિ

ઇન્દ્રોડા પાર્કમાં વ્હાઇટ ટાઇગર 'ગૌતમ'નું ખુબ જ નાની વયે મોત નિપજ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા માટે પાર્કના જ પીએમ રૂમ ખાતે આ વાઘના મૃતદેહનું પેનલ ડોક્ટર્સ એટલે કે બે કે ત્રણ તબીબો દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું અને જરૂરી વિશેરા પણ લેવામાં આવ્યા હતા. 

પીએમ બાદ અધિકારીઓ અને કર્મચારીઓએ આ વાઘને પુષ્પાંજલિ આપી હતી. એટલું જ નહીં, રાષ્ટ્રીય પ્રાણી હોવાને કારણે રાષ્ટ્રીય માન- સન્માન સાથે સફેદ વાઘના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં.

આ પણ વાંચો: વડોદરા-કરજણ રોડ પરના ખાડાઓ બન્યા માથાનો દુખાવો, જાંબુઆ બ્રિજ પર 5 કિ.મીનો જામ

સફેદ વાઘણ 'ગોદાવરી'ને 'ગૌતમ'થી છૂટી પાડીને કેવડિયા મોકલાઈ

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વર્ષ 2021માં વ્હાઇટ ટાઇગરની જોડી લાવવામાં આવી હતી. ગૌતમ અને ગોદાવરી નામની આ જોડી આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ સૌને લાગતું હતું અને તેના દ્વારા પાર્કને નવા બચ્ચા પણ મળશે તેવો નિષ્ણાતોનો મત હતો. જો કે કેવડિયામાં બનાવેલા સફારી પાર્કમાં વાઘણની કમી પૂરવા ગોદાવરી નામની સફેદ વાઘણને ગૌતમથી જુદી પાડી દેવાઈ હતી. જો કે, પાર્કમાં સૃષ્ટિ નામની વાઘણ હતી પરંતુ તેની ઉંમર ગૌતમ કરતા ખૂબ જ મોટી હતી અને સૃષ્ટિ વૃદ્ધ થઇ ગઇ હતી જેના કારણે તેમને પેર થઇ શકી ન હતી. 

વાઘની અંતિમ વિધિ વખતે ભાવુક દ્રશ્યો સર્જાયા

ગીર ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણી પક્ષીઓના વધતા જતા મોતને પગલે પ્રાણી પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાય છે. તેવી સ્થિતિ વચ્ચે તાજેતરમાં પાર્કમાં પાંચ વર્ષના સફેદ વાઘનું મોત નીપજ્યું હતું. રાષ્ટ્રીય પ્રાણી હોવાને કારણે વાઘની રાષ્ટ્રીય માન સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. આ અંતિમ વિધિ વખતે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

ઇન્દ્રોડા પાર્કમાં સફેદ વાઘનું શંકાસ્પદ મોત, અંતિમ વિધિ વખતે ભાવુક દ્રશ્યો સર્જાયા 2 - image



Google NewsGoogle News