Get The App

માળીયાના ખોરાસા ગીર નજીકથી એક સિંહણ અને બે બાળ સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળતા ચકચાર

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
માળીયાના ખોરાસા ગીર નજીકથી એક સિંહણ અને બે બાળ સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળતા ચકચાર 1 - image


Junagarh lion News |  માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર નજીકથી એક સિંહણ અને બે બચ્ચાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. ત્રણેય વન્યજીવોના મોત શા કારણે થયા તે અંગે હજુ વન વિભાગને પણ જાણ નથી. હાલ પોલીસ અને વન વિભાગે જે સ્થળેથી મૃતદેહ મળ્યો તે રસ્તો બંધ કરી સમગ્ર બનાવને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ખોરાસા ગીરથી જુના પાતળાના રસ્તા પર એક માદા સિંહણ અને બે બચ્ચા મૃત હાલતમાં મળતા સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી. બાદમાં પોલીસ અને વન વિભાગનો સ્થાનિક સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. સિંહણ અને બંને બચ્ચાંનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સિંહ પરિવારનુ વીજ કરંટના કારણે મોત થયું કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વન વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને આસપાસના રેન્જમાંથી વન વિભાગનો સ્ટાફ બોલાવી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

હાલ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સ્થાનિક પોલીસની મદદ લઈ બનાવ સ્થળની આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. વન વિભાગના જણાવ્યા પ્રમાણે ત્રણેય મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા ફોરેન્સિક પીએમ થશે ત્યારબાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. સિંહોની માઠી દશા બેઠી હોય તેમ એક બાદ એક સિંહ કમોતે મરી રહ્યા છે. થોડા સમય પહેલા વિસાવદર પંથકમાં ઓઝત નદીના પટમાંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. હજુ તેની કોઈ ચોક્કસ કડી વન વિભાગને મળતી નથી તેવામાં માળીયા વિસ્તારમાંથી સિંહણ અને બે બચ્ચાના શંકાસ્પદ મૃતદેહ મળતા સિંહ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

હાલ સારા વરસાદ બાદ વાવણી થઈ ગઈ છે અને ખેડૂતોને રોજ, ભૂંડનો અસહ્ય ત્રાસ હોવાથી ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ઝટકા શોટ મુકતા હોય છે. પરંતુ ઘણા ખેડૂતો સીધો વીજ કરંટ મૂકતા હોય છે તેના લીધે ચોમાસાની સિઝનમાં સિંહો પર મોટો ખતરો મંડળાયેલો રહે છે. ખોરાસાની ઘટનામાં કદાચ વીજ કરંટના કારણે પણ સિંહોના મોત થયા હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે. વન વિભાગ દ્વારા અલગ અલગ મુદ્દે તમામ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ ત્રણેય મૃતદેહનું પેનલ પીએમ થયા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. પરંતુ પોલીસે અને વન વિભાગે જે સ્થળેથી સિંહ બાળ અને સિંહણનો મૃતદેહ મળ્યો તે રસ્તો બંધ કરી દીધો છે અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસ માટે ઘટના સ્થળે રૂબરૂ દોડી ગયા છે.


Google NewsGoogle News