દરીયાઈ માર્ગે ડ્રગ્સ આવ્યાનો ખુલાસો પાકિસ્તાનથી સપ્લાય થયાની શંકા

- દ્વારકાના 40 થી વધુ બેટની સુરક્ષા વધારાતા ડ્રગ્સ પકડાયું

- સલાયાના સલીમ અને અલીની ઘનિષ્ઠ પુછપરછ, ઝડપાયેલા ડ્રગ્સનું પંચનામુ મોડી રાત સુધી ચાલ્યુ

Updated: Nov 11th, 2021


Google NewsGoogle News
દરીયાઈ માર્ગે ડ્રગ્સ આવ્યાનો ખુલાસો પાકિસ્તાનથી સપ્લાય થયાની શંકા 1 - image


રાજકોટ, : દેવભુમિ દ્વારકાની પોલીસે ઝડપી લીધેલ કરોડો રૂપિયાનું હેરોઈન અને એમડી ડ્રગ્સ દરીયાઈ માર્ગે આવ્યાનું ખુલ્યું છે. સંભવત: ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનથી આવ્યાનું પોલીસનું અનુમાન છે. સલાયાના બે ભાઈઓએ ડ્રગ્સનું  આ કન્સાઈન્મેેન્ટ મંગાવ્યું હોવાથી બંનેની પુછપરછમાં સપ્લાયરો અંગે ખુલાસો થશે. 

દેવભુમી દ્વારકા જિલ્લાની સરહદ અને દરીયાઈ વિસ્તાર પાકિસ્તાનની નજીક  છે. આ સ્થિતિમાં દ્વારકા જિલ્લામાં આવેલા ૪૦ થી વધુ બેટની સુરક્ષા થોડા ટાઈમ પહેલા જ વધારી દેવામાં આવી હતી. એટલુ જ નહી લેન્ડીગ પોઈન્ટ પરની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત બાતમીદારોનું નેટવર્ક પણ ઉભુ કરવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી થયેલી આ સમગ્ર કવાયતના પરીણામ સ્વરૂપ ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયાનું પોલીસ અધિકારીઓનું કહેવું છે. એકલા દ્વારકા જ નહી પરંતુ જામનગર અને નવલખી બંદરની સુરક્ષા પણ તાજેતરમાં વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. જેને કારણે ડ્રગ્સ કે કોઈ હથીયારો ભારતની સરહદમાં ઘુસી ન શકે. 

સલાયાના સલીમ અને તેના ભાઈ યાકુબે ડ્રગ્સનું આ કન્સાઈન્મેન્ટ મંગાવ્યુ હોવાથી આ બંનેની ઘનિષ્ઠ પુછપરછમાં જ ખરેખર ડ્રગ્સનો જથ્થો કયાંથી આવ્યો હતો તેનો ખુલાસો થશે તેમ પણ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. એટલુ જ નહી આ બંને ભાઈઓએ મુંબઈના સજ્જાદને ડ્રગ્સના ૧૭ પેકેટ કઈ કિંમતે  વેંચ્યા હતા તેનો પણ વધુ તપાસમાં ખુલાસો થશે. 

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સલાયાના સલીમ અને અલી પાસેથી ડ્રગ્સના જે ૪૭ પેકેટ મળી આવ્યા છે તેનું હાલ પંચનામુ ચાલુ છે. આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલશે.ત્યારબાદ જ ખરેખર કેટલી કિંમતનું ડ્રગ્સ છે તેની સ્પષ્ટતા થશે. આમ છતાં હાલના તબક્કે પોલીસ ડ્રગ્સની કિંમત ૨૫૦ થી ૩૦૦ કરોડ વચ્ચે હોવાનું માની રહી છે. 


Google NewsGoogle News