Get The App

રાજ્યમાં ચાઈનીઝ દોરી ઘુસાડી દેવાયાની શંકા,રાજકોટમાં વધુ ૧૯ ફીરકી ઝડપાઈ

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
રાજ્યમાં ચાઈનીઝ દોરી ઘુસાડી દેવાયાની શંકા,રાજકોટમાં વધુ ૧૯ ફીરકી ઝડપાઈ 1 - image


ચાઈનીઝ દોરી ક્યાંથી કોણે ઘુસાડી તેના મૂળમાં જવા તપાસ થતી નથી

લોખંડનો ભુકો,કાચ જેવા જોખમી પદાર્થોથી દોરો પાકો કરાય છે, વધુ બે છીંડે ચડયાઃ મોડી સાંજે પતંગોની સાથે ફટાકડા ફોડવાની જોખમી પરંપરા

રાજકોટ :  પંખીઓના અને નિર્દોષ માણસોના ગળા કાપતી ચાઈનીઝ દોરી ઉપર તેમજ કાચ વગેરે માંજાથી પાયેલી દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં ગુજરાતમાં ચાઈનીઝ દોરી ઘુસાડી દેવાયાની શંકા તેના ખુલ્લેઆમ વેચાણ પકડાતા ઉઠી છે તો દોરો પાનારા હજુ પણ હાનિકારક રસાયણો,પદાર્થોનો દોરીમાં ઉપયોગ કરે છે. રાજકોટ પોલીસે આજે વધુ ૧૯ ફીરકીઓ પકડી હતી અને હજુ પકડવાની બાકી હોય તે કેટલી તે સવાલ છે.

પોલીસસૂત્રો અનુસાર નવાગામ મેઈનરોડ પર આરોપી ૧૭ વર્ષનો સગીર મોનો સ્કાય લખેલ ૧૪ ચાઈનીઝ ફીરકી સાથે ઝડપાતા તેના વિરુધ્ધ ગુનો નોંધાયો છે. જ્યારે ઢેબરરોડ પર વિરાણી અઘાટ વિસ્તારમાં જાહેર રોડ પર આરોપી નૈમીષ ચંદુભાઈ રાઠોડ (ઉ.૨૧,રહે.વેલનાથ સોસાયટી) ચાઈનીઝ દોરાની મોટા કદની ૫ ફીરકી સાથે ઝડપાયેલ છે. આવા અનેક કેસ રાજકોટમાં નોંધાયા છે પરંતુ, ચાઈનીઝ દોરી ચીનથી આવી કઈ રીતે તે હજુ પણ તપાસનો વિષય છે અને તે મૂળ સુધી જવા તપાસનો અભાવ જણાય છે.

આ ઉપરાંત પતંગ દોરાને લોખંડનો પાવડર, કાચ સહિત હાનિકારક પદાર્થોથી પાકો બનાવતા  રૈયારોડ પર રૈયા ચોક પાસે ઉત્તમ ગણપતભાઈ પટ્ટણીને તેમજ નાણાવટી ચોક પાસે રવી રમેશભાઈ પટણીને પોલીસે ઝડપીને જાહેરનામા ભંગ સહિતના ગુના નોંધ્યા હતા.

એક તરફ અત્યંત ઘાતક નિવડતી ચાઈનીઝ દોરી અને કાચના ભુકા વગેરે પાઈને પાકા કરેલા દોરા બેફામ વેચાઈ રહ્યા છે, કેટલાક ઝડપાય છે ત્યારે બીજી તરફ ઉત્તરાયણના દિવસે અને આસપાસના દિવસોમાં સવારે ૯ પહેલા અને સાંજે ૪ પછી પંખીઓને (અને માણસોને પણ) બચાવવા પતંગો નહીં ઉડાડવાની અપીલ ખાસ કરીને સાંજના સમયે પાળવામાં આવતી નથી. 


Google NewsGoogle News