સસ્પેન્ડેડ પૂર્વ TPO મનસુખ સાગઠિયાની જામીન અરજી નામંજૂર
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં કેસ સેશન્સ કમિટ થયા બાદ અગાઉ 5 આરોપીઓની જામીન અરજી અદાલત નામંજૂર કરી ચૂકી છે
રાજકોટ, : 27 જણાનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ અન્ સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠિયાએ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે આજે નામંજૂર કરી હતી. આ અગાઉ કેસ સેશન્સ કમિટ થયા બાદ પાંચ આરોપીઓની જામીન અરજી અદાલત નામંજૂર કરી ચૂકી છે. આરોપી મનસુખ સાગઠિયાએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. તેની સાથે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઇ જીવાભાઈ ઠેબાએ તેની માતાનું અવસાન થતાં ચાલીસમાની વિધિમાં હાજરી આપવા માટે માનવતાના ધોરણે બે દિવસના વચગાળાના જામીન આપવા અરજી કરી હતી. જેમાંથી ઠેબાની અરજી અદાલતે મંજૂર કરી હતી. જ્યારે સાગઠિયાની જામીન અરજી બંને પક્ષોની દલીલો-રજૂઆતો બાદ અદાલતે આજે સાંજે નામંજૂર કરી હતી.
આ કેસ સેશન્સ કમિટ થયા બાદ સૌથી પહેલા તત્કાલીન ચિફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, બે તત્કાલીન એટીપીઓ ગૌતમ જોષી, રાજેશ મકવાણા અને જમીન માલિક અશોકસિંહ જાડેજાએ જામીન અરજી કરી હતી. જે સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. ત્યાર પછી જમીનના બીજા માલિક કિરીટસિંહ જાડેજાએ પણ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. આ પાંચ આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામંજૂર થયા બાદ સાગઠિયાએ જામીન અરજી કરી હતી. આ કેસમાં સરકાર પક્ષ તરફથી સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી, એડિશનલ સ્પેશિયલ પીપી નીતેશ કથીરિયા અને મૃતકોના પરિવાર વતી સુરેશ ફળદુ રોકાયેલા હતાં.