કચ્છમાં 9મી સદીમાં બંધાયેલું સુર્ય મંદિર જાળવણીના અભાવે ખંડેર હાલતમાં

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
કચ્છમાં 9મી સદીમાં બંધાયેલું  સુર્ય મંદિર જાળવણીના અભાવે ખંડેર હાલતમાં 1 - image


રાજાશાહીના વખતની ઈમારતોની જાળવણીનો અભાવ છ હેરીટેજ સાઈટમાં સ્થાન પામેલા સુર્ય મંદિરમાં આવવા જવા માટે યોગ્ય રોડ રસ્તો પણ નથી 

ભુજ, : કચ્છમાં રાજાશાહીના સમયની શિલ્પ સ્થાપત્યનો બેજોડ વારસો ધરાવતી ઈમારતો, મંદિરો અને દેવસ્થાનો આવેલા છે. જેની જાળવણીમાં ઉપેક્ષા થવાના કારણે અત્યારે માત્ર નામશેષ થવાના આરે ઉભી છે. કચ્છના પાટનગર ભુજ થી 27 કિ.મી.ના અંતરે આવેલું કચ્છનું એકમાત્ર સુર્યમંદિર જેનો હેરીટેજ સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં તેમાં સુધારણા કરવા કે વિકાસ કરવા માટે કંઈ જ કરવામાં આવ્યું નથી. જેના કારણે કચ્છમાં આવતા પ્રવાસીઓ પણ કચ્છના સુર્યમંદિર થી અજાણ છે.

ભુજ તાલુકાના કોટાય ગામે આવેલ આ સુર્યમંદિર અંદાજે 9 મી સદીમાં બનાવવામાં આવેલું હોવાનું મનાય છે.લોકો મોઢેરાના સુર્ય મંદિરે દર્શન કરવા અર્થે જતા હોય છે. પરંતુ ભુજ તાલુકાના કોટાય ગામે આવેલા આ સુર્યમંદિરની ખુબ જ ઓછા લોકોને માહિતી છે.ખજુરાહો જેવી કોતરણી ધરાવતું આ સુર્યમંદિર અતિ પ્રાચીન હોવાને કારણે તેને હેરીટેજ સાઈગમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભુજ થી 27 કી.મી.ના અંતરે આવેલું અને કોટાય ગામ નજીક આવેલું આ સુર્ય મંદિર સોલંકી વંશના શાસનકાળ દરમ્યાન નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે.

લોડાઈ વિસ્તારમાં આવેલ કોટાય ગામ નજીક ડુંગરોની હારમાળા વચ્ચે આ સુર્ય મંદિર આવેલું છે. પુરાણોના મત પ્રમાણે રાઓ લાખા ફુલાણીના સમયમાં સોલંકી શૈલીમાં નવમી સદીમાં બનાવવામાં આવ્યું છે. જામ ફુલે દ્વારા આ જગ્યાએ અણગોર ગઢ પણ ચણાવવામાં આવ્યો હતો.આ મંદિરની આસપાસ આવા જ ઐતીહાસીક બાંધકામ ધરાવતા નાના મોટો નવ જેટલા મંદિરો પણ હતા. જે કાળક્રમે નાશ પામ્યા છે. હાલમાં અહિં એકમાત્ર આ સુર્યમંદિર ઉભુ છે. જે સરકારના આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા સંરક્ષીત કરવામાં આવ્યું છે. તેમ છતાં આ જગ્યાની કોઈ જાળવણી કરવામાં આવતી નથી. 

એટલું ઓછું હોતા સુર્ય મંદિર સુધી જવા માટે કોઈ પાક્કો રોડ પણ નથી કે, પ્રવાસીઓ અહિં આસાની થી આવ-જા કરી શકે. એટલું ઓછું હોતાં ચારે બાજુ ગાંડા બાવળનું સામ્રાજ્ય પણ એટલું જ છે. અને સાફ સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ક્યારેક ક્યારેક ખુબ જાણકાર પ્રવાસીઓ આવે છે. પરંતુ માંડ માંડ અહિં પહોંચ્યા બાદ રીફ્રેશમેન્ટ માટે પિવાના પાણી કે પછી જાહેર સૌચાલયની પણ કોઈ વ્યવસ્થા અહિં છે જ નહિં. લોકોને ફરજીયાત પણે પિવાનું પાણી સાથે લઈ જવું પડે છે તેમજ જાહેરમાં શૌચ કરવાની ફરજ પડી રહી છે. સ્થાનીકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, આ મંદિર અંગે અનેક વખત રજુઆતો કરવામાં આવી છે. પરંતુ રજુઆતોના પડઘા સરકારના કાન સુધી પહોંચતા નથી તેવું લાગી રહ્યું છે. સરકારે પણ આ જગ્યાને ઐતીહાસીક સાઈટમાં સમાવેશ કરી સંતોષ માની લીધો હોય તેવું લાગી રહ્યું છે. 

કચ્છ અત્યારે સમગ્ર દુનીયામાં પ્રખ્યાત થયું છે. ત્યારે દેશ-વિદેશના સહેલાણીઓ કચ્છમાં પ્રવાસે આવતા હોય છે. આવા સમયે કમ સે કમ હેરીટેજ સાઈટમાં સમાવેશ થયેલી ઐતિહાસીક ઈમારતોની જાળવણી, રીનોવેશન કરવામાં આવે તો કચ્છમાં આવનાર પ્રવાસી વધુ સમય સુધી કચ્છમાં રોકાણ કરે અને કચ્છના પ્રવાસનક્ષેત્રે પણ વિકાસ થાય. ખૈર, અત્યારે તો આ સુર્યમંદિર જાળવણીના અભાવે ઉભું છે પરંતુ વહેલી તકે આ જગ્યામાં આવવા જવા માટે માર્ગોનું નિર્માણ કરાય અને ઐતિહાસીક સ્થળે પ્રાથમીક સુવિદ્યાઓ ઉભી થાય તે ઈચ્છનીય છે.


Google NewsGoogle News