વડોદરા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નુકસાની અંગે સર્વે હાથ ધરાશે
વડોદરા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલ ભારે વરસાદથી ડેમોમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાની નદીઓમાં પાણીના સ્તર વધતા જિલ્લાના 6 તાલુકાના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે ખેતી અને બાગાયતી પાકોમાં નુકસાન થયું છે.આ પાક નુકસાની માટે જિલ્લા પંચાયતની ખેતીવાડીના શાખા દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે વિશ્વામિત્રી, ઢાઢર, દેવ, સૂર્યા અને જાંબુવા નદીના જળસ્તર વધતા વડોદરા, ડભોઈ, કરજણ પાદરા, સાવલી અને વાઘોડીયા સહિત 6 તાલુકાના 125 ગામોમાં પાણી ખેતરોમાં પણ ફરી વળ્યા હતા. જેના કારણે કાંઠા વિસ્તારના 9465 હેકટરમાં ખેતી અને બાગાયતી પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે. આ નુકસાની અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોમાં નુકસાની અંગે વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવશે.જિલ્લામાં અસરગ્રસ્ત ગામોમાં સર્વે થાય તે માટે 36 ટીમની કાર્યરત કરવામાં આવી છે. જેમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારી અને કર્મચારીઓની ટીમની રચના કરવામાં આવી છે.આ ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ સ્થળ તપાસ કરી આગામી પાંચ દિવસ સુધી પ્રાથમિકતાના ધોરણે સર્વે હાથ ધરવામાં આવનાર છે.આ સાથે અસરગ્રસ્ત ગામોમાં સર્વે ટીમ દ્વારા થયેલ સર્વે કામગીરીનું રોજે રોજ સુપરવિઝન અને રિપોર્ટિંગ કરી ટીમ સંકલિત અહેવાલ પણ રજૂ કરવામાં આવે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.