Get The App

ધ્રાંગધ્રા તાલુકાના 35 થી વધુ ગામોમાં ખેડુતોને થયેલ નુકશાન અંગે સર્વે ન થતાં હાલાકી

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
ધ્રાંગધ્રા તાલુકાના 35 થી વધુ ગામોમાં ખેડુતોને થયેલ નુકશાન અંગે સર્વે ન થતાં હાલાકી 1 - image


- ખેડુતોએ નુકશાનીવાળો પાક કાઢી નાંખ્યા બાદ સ્થાનીક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ કૃષીમંત્રીને રીસર્વે અંગે લેખીત રજુઆત કરતા ચર્ચાઓ

- નુકશાનીવાળો પાક હતો ત્યારે ધારાસભ્યએ કોઈપણ રજુઆત કરી નહોતી અચાનક ખેડુતો યાદ આવતા રોષ

- રીસર્વે નહીં કરનાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ

- શિયાળુ પાકના વાવેતર બાદ ધારાસભ્યને રીસર્વેનું અચાનક યાદ આવતા હાસ્યાસ્પદ

ધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ખેડુતોને અતિવૃષ્ટિના કારણે પાકમાં ભારે નુકશાન પહોંચ્યું હતું અને આ નુકશાની બાદ સરકાર તેમજ સ્થાનીક તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ખેડુતોના ખેતરો સુધી સર્વે કરવાની મોટીમોટી વાતો અને જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ તેમ છતાંય અમુક જગ્યાએ જ ખેતરોમાં મુલાકાત લઈ સર્વે કરી નાંખવામાં આવ્યો છે અને બાકીનો સર્વે ખેતરોની મુલાકાત વગર બેઠા બેઠા કરી દેતા ખેડુતોને નુકશાન પહોંચ્યું હોવા છતાં સહાયથી વંચીત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.

જ્યારે અમુક ખેડુતોને સાવ મામુલી રકમની સહાય જમા થઈ છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે ધ્રાંગધ્રા તાલુકામાં ૩૫થી વધુ ગામમાં ખેડુતોને નુકશાન થયું હોવા છતાં તે અંગે કોઈપણ જાતનો સર્વે કરવામાં આવ્યો નથી જે અંગે ખેડુતોએ રીસર્વે માટે પણ રજુઆતો કરી ત્યારે આવા ખેડુતો સહાય મેળવવાને હક્કદાર નથી તેમજ નુકશાન નથી તેમ જણાવી રીસર્વે પણ કરવામાં આવ્યો નથી. આમ એકતરફ ધ્રાંગધ્રા તાલુકાના ખેડુતોને નુકશાન થયું હોવા છતાં સહાય પ્રાપ્ત થઈ નથી તેમ છતાંય ખેડુતોએ હાલ શીયાળુ પાકનું વાવેતર કરી નાંખ્યું છે ત્યારે ધ્રાંગધ્રાના સ્થાનીક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલને ધ્રાંગધ્રા તાલુકાના ખેડુતોનો પાકનો રીસર્વે કરવાની લેખીત રજુઆત કર્યાનો પત્ર સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં ખેડુતોમાં ધારાસભ્યની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે અને આ મુદ્દે અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ છે. જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના ખેડુતોના જણાવ્યા મુજબ ખેતરોમાં હવે નુકશાનીવાળો પાક જ છે નહિં તો અધિકારીઓ સર્વે શેનો કરશે ? તેમજ ઓગષ્ટથી નવેમ્બર મહિના સુધી જ્યારે ખેડુતોને મોટાપાયે અતિવૃષ્ટિના કારણે નુકશાની પહોંચી હતી તેવા સમયે સ્થાનીક ધારાસભ્યને ખેડુતો યાદ ન આવ્યા અને હવે જ્યારે ખેતરમાં નુકશાનીવાળું કાંઈ નથી ત્યારે રીસર્વેની રજુઆત કરી રહ્યાં છે. આમ ધારાસભ્ય ખેડુતો પાસે ખોટી વાહવાહી મેળવવા સ્ટંટ કરતા હોય તેવી ચર્ચાઓએ પણ જોર પકડયું છે. ધ્રાંગધ્રા તાલુકાના ૩૫ જેટલા ગામોમાં ખેડુતોને નુકશાની અંગેનો સર્વે બાકી હતો તે સર્વે પણ ન થયો અને ખેડુતોએ અંતે નુકશાનીવાળો કાઢી લીધા બાદ શિયાળુ પાકનું વાવેતર કરી નાંખ્યું ત્યારબાદ સ્થાનીક ધારાસભ્યએ કૃષી મંત્રીને રીસર્વેની રજુઆત કરી છે ત્યારે અધીકારીઓ હવે શિયાળુ પાકનો રીસર્વે કરશે ? તેવી પણ ચર્ચાઓ ખેડુતોમાં થઈ રહી છે. હાલ ખેડુતોની એકમાત્ર માંગ એવી છે કે જે ખેડુતોએ નુકશાની અંગેના ફોર્મ ભર્યા છે તે તમામ ખેડુતોને ઝડપથી સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે જે મામલે ખેડુત આગેવાન જે.કે.પટેલના જણાવ્યા મુજબ ધારાસભ્યને કમસેકમ ખેડુતોના સીઝન મુજબના પાકની અને તેના વાવેતરના સમયનું જ્ઞાાન હોવું જોઈએ. ખેડુતોએ શિયાળુ પાક વાવી દીધા બાદ હવે રીસર્વેની રજુઆત કરતા ખેડુતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.


Google NewsGoogle News