ચીટર સ્વામીઓનો સાગરિત સુરેશ ઘોરી ઝબ્બે, રિમાન્ડ પર
મંદિર અને ગૌશાળાનાં નામે ૩ કરોડના ઠગાઇના કેસમાં
ઠગાઇની રકમ આરોપી પાસેથી મળે અગર તો કોની પાસે છે તે જણાઇ આવવાની શક્યતાની દલીલ કરાઇ
રાજકોટ: દહેગામ પાસેના લીંબા ગામની ૫૧૦ વિઘા જમીન ઉપર ગૌશાળા અને ભવ્ય મંદિર બનાવવા માટે ખેડૂતોની જમીન ખરીદ કરવાના નામે રાજકોટના જસ્મીનભાઈ માઢક સાથે રૂા. ૩ કરોડની ઠગાઇના કેસમાં ચીટર સ્વામીઓના સાગરિત અને મુખ્ય આરોપી સુરેશ તુલસી ઘોરીની સીઆઈડી ક્રાઇમના ફ્રોડ સેલે ધરપકડ કરી રાજકોટની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
આ કૌભાંડ અંગે ચીટર સ્વામીઓ સહિતનાઓ વિરૂધ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે તપાસ બાદમાં સીઆઈડી ક્રાઇમના ફ્રોડ સેલને સોંપવામાં આવી હતી. આ કૌભાંડમાં ફરિયાદી અને ખેડૂત ઉપરાંત સ્વામીઓ વચ્ચે મધ્યસ્થી કરનાર આરોપી સુરેશ ઘોરી લાંબા સમયથી ફરાર હતો. આખરે તેને સીઆઇડી ક્રાઇમના ફ્રોડ સેલે ઝડપી લઇ રાજકોટની કોર્ટમાં રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
આ કેસમાં સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ એવી રજૂઆત કરી હતી કે આ કેસમાં આરોપીઓ લાલજી ઢોલા, ભૂપેન્દ્ર પટેલ, વિજયસિંહ ચૌહાણ, જે.કે. સ્વામી અને વી.પી. સ્વામીની ધરપકડ થઇ છે. પરંતુ આમ છતા રૂા. ૩ કરોડ જેવી માતબર રકમ કોની પાસે છે તેની કોઇ હકીકતો બહાર આવી નથી. આ સ્થિતિમાં આ રકમ આરોપી સુરેશ ઘોરી પાસેથી મળી આવવાની અથવા તો આ રકમ કોની પાસે છે તે જણાઇ આવવાની પૂરી શક્યતા છે. જેને કારણે તેના ૧૪ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યાર બાદ તપાસ ઇઓડબલ્યુને સોંપાઇ હતી. જેની પાસેથી પણ પછીથી તપાસ લઇ સીઆઈડી ક્રાઇમના ફ્રોડ સેલને સોંપાઇ હતી. જે હવે આ કેસની તપાસ કરે છે.