સુરેન્દ્રનગરનું 'કાળું કચરિયું' દિલ્હી, મહારાષ્ટ્ર અને બેંગ્લોર સુધી પહોંચ્યું
- નજર સામે ઘાણીમાં કાળા તલ પીલાવી ખરીદવાનો ગ્રાહકોનો આગ્રહ
- ગત વર્ષની સરખામણીમાં 10 થી 20 ટકાનો ભાવ વધારો છતા જિલ્લામાં રોજનું અંદાજે 3000 કિલો કચરિયાનું વેચાણ
સુરેન્દ્રનગર : શિયાળાની સિઝનમાં શરીરને અનુકૂળ વાનગીઓ સાથે તલ ચીકી અને કચરિયું આરોગવાથી શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને એટલા માટે જ સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની સિઝનમાં હજારો કિલો કચરિયાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવામાં આવે છે. માત્ર સુરેન્દ્રનગર જિલ્લો જ નહીં આજુબાજુના અન્ય જિલ્લાથી માંડી દેશ વિદેશમાં પણ સુરેન્દ્રનગરનું કચરિયું પ્રખ્યાત બની ગયું છે.
શિયાળાની શરૂઆત થતાં જ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ કાળજી રાખતા હોય છે અને સ્વાસ્થ્ય સારું બનાવવા આરોગ્યવર્ધક આહાર લેવાનું વધુ પસંદ કરે છે. ત્યારે શિયાળાની સિઝનમાં તલ ચીકી અને કચરિયું લોકો ખાતા હોય છે. કચરિયાનું નામ પડે એટલે સુરેન્દ્રનગરનું નામ આવે. શિયાળા દરમિયાન સુરેન્દ્રનગરમાં ઘરે-ઘરે લોકો રોજ સવારે એક-એક ચમચી કચરિયું ખાતા હોય છે. વઢવાણ, લીંબડી તેમજ સુરેન્દ્રનગર શહેરમાં અનેક ઘાણી આવેલી છે. કેટલાક પરિવાર તો છેલ્લ ત્રણ-ચાર પેઢીેથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. શિયાળાની સિઝનમાં કચરિયાનું પણ ઉત્પાદન કરવામાં આવે છે.
પહેલા કચરિયું તૈયાર કરવા માટે બળદનો ઉપયોગ કરાતો હતો
વર્ષોે પહેલા કચરિયાના ઉત્પાદન માટે બળદનો ઉપયોગ કરાતો હતો. ખુલ્લામાં બળદને બાંધી ગોળ-ગોળ ફેરવી કચરિયાનું મિશ્રણ કરવામાં આવતું હતું. આ પ્રક્રિયા દરમિયાન તેમાંથી તેલ નિકળતું હતું તેને આજના સમયમાં કોલ્ડપ્રેસ ઓઇલ કહેવામાં આવે છે. જોકે, હવે સમયની સાથે ટેકનોલોજી આવી. બળદનું સ્થાન હવે ઇલેક્ટ્રિક મોટરે લીધું. ખુલ્લામાં બનતું કચરિયું હવે દુકાનમાં જ તૈયાર થઇ રહ્યું છે. શહેરમાં બનતું કચરિયું જાણીતું છે એનું એક કારણ છે કે તે લોકોની નજર સામક્ષ બનાવવામાં આવે છે. કાળા તલ, ગોળ, સુંઠ અને કાજુ બદામ સહીતના ડ્રાયફ્રુટ સાથે ગ્રાહકોની નજર સામે જ કચેરીયું બનાવવામાં આવે છે. જો કોઈ ગ્રાહક ઘરેથી કાળા તલ, કાજુ-બદામ, સુંઠ સહિતની ચીજવસ્તુઓ લઇને આવે તો તેને પણ પીલી કચેરીયું બનાવી આપવામાં આવે છે.
ઇ-કોમર્સના કારણે કચરિયું દેશ-વિદેશ પહોંચ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના કાળા તલનું કચરિયુંનો સ્વાદ હવે ગુજરાત પુરતો જ સિમિત રહ્યો નથી. સુરેન્દ્રનગરના કચરિયુંનો સ્વાદ છેક મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ પહોંચ્યો છે. સુરેન્દ્રનગરમાંથી અભ્યાસ અને નોકરી ધંધા અર્થે અન્ય શહેત તેમજ દેશ-વિદેશ સ્થાઇ થયેલા લોકો આજે પણ શિયાળાની સિઝનમાં વતનમાંથી કચેરિયું મંગાવે છે. ટેકનોલોજી અને ઇકોમર્સને પગલે કચરિયું ઓનલાઇન મળતું થયું છે. શહેરના કેટલાક વેપારીઓ દ્વારા ઓનલાઇન ઓર્ડર લઇ દેશ-વિદેશ મોકલી આપવાની સુવિધા પણ આપે છે. મુંબઇ, બેંગ્લોર અને દિલ્હી શહેરમાં કેટલાય સ્ટોરમાં ''સુરેન્દ્રનગરનું પ્રખ્યાત કચરિયું''ના નામે વેપારીઓ કચરિયું વેચતા થયા છે. ત્યાના લોકો પણ હવે કચરિયું ખાતા થયાં છે.
તલનું કચરિયું શ્રે કેમ
તલનું કચરિયું ફાઇબરનો સ્ત્રોત ગણાય છે. કચરિયામાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન હોય છે જેના કારણે શરીરમાં રક્ત સંચારનું સંચાલન થતા બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે. હાડકાને મજબૂત બનાવી ઘૂંટણના ઘસારામાં રાહત આપે છે. હાડકાના સાંધામાં કુદરતી ચિકાસ વધારી ચામડીમાં સેલેનિયમ પ્રોટીન પણ વધારે છે. વિટામીન (બી)નો મુખ્ય સ્ત્રોત ગણાતા તલના કચરિયાના સેવનથી આંખનું તેજ પણ વધે છે.
અનેક લોકોને રોજીરોટી પુરી પાડે છે
સુરેન્દ્રનગર શહેરમાં દરરોજ અંદાજે ૩૦૦૦ કિલોથી વધુ કચરિયું વેચાય છે. આ કચેરીયાનો ઉધોગ શિયાળાના ત્રણ કે ચાર માસ દરમિયાન શહેરના અનેક પરિવારોને રોજીરોટી પણ પુરી પાડે છે. કચેરીયાના ભાવ રૂા.૨૫૦ થી ૩૫૦ પ્રતિ કિલોના છે. કચેરીયાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ૧૦થી ૨૦ ટકાનો વધારો થયો હોવા છતાં ઝાલાવાડવાસીઓ કચેરીયાનો સ્વાદ માણવાનું ચુકતા નથી અને વિદેશમાં વસતા પોતાના સગા સંબધીઓને પણ કચેરિયું મોકલાવે છે. આમ ઝાલાવાડનું પ્રખ્યાત કાળા તલનું કચેરિયું હવે ગુજરાત જ નહિ પરંતુ વિદેશ સુધી પહોચ્યું છે અને શિયાળામાં પૌષ્ટિક આહાર પુરો પાડે છે.