ગુજરાતની આ બેઠક પર ભાજપ-કોંગ્રેસનો એકસરખો ગેમપ્લાન, હવે આ જ સમાજ નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ વખતે ગુજરાતની નવમાં નંબરની લોકસભા બેઠક સુરેન્દ્રનગરથી ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપી છે, તો કોંગ્રેસે લાંબી મથામણ બાદ ઋત્વિક મકવાણાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠક કોળી મતદારોનું પ્રભુત્વ છે, ત્યારે બંને ઉમેદવાર કોળી સમાજના છે. સુરેન્દ્રનગર બેઠકના જાતીય અને રાજકીય સમીકરણો જાણીએ....
ભાજપે આ વખતે નવા જ ચહેરાને ચૂંટણીના મેદાને ઉતાર્યા
ભાજપ આ વખતે સુરેન્દ્રનગર બેઠક માટે સરપ્રાઈઝ સાથે નવા જ ચહેરા તરીકે ચુવાળીયા કોળી સમાજના ચંદુ શિહોરાના નામની જાહેરાત કરી હતી. મૂળ હળવદ તાલુકાના કેદારિયા ગામે રહેતા ચંદુ શિહોરા સિવિલ એન્જિનિયર છે. તેઓ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, હળવદ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે.
કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા ટિકિટ આપી
કોંગ્રેસે ઉમેદવારોની 12મી યાદીમાં સુરેન્દ્રનગર બેઠક પર 2017ની વિધાનસભા ચૂંટણમાં ચોટીલાથી જીતેલા અને 2022માં વિધાનસભા ચૂંટણી હારેલા ઋત્વિક મકવાણાના નામની જાહેરાત કરી હતી. 48 વર્ષીય ઋત્વિક મકવાણાએ ડી.બી.એડ સુધી અભ્યાસ કર્યો છે અને લાંબા સમયથી શિક્ષણ અને રાજનીતિ સાથે જોડાયેલા છે. તેઓ હાલ પાર્લામેન્ટરી બોર્ડ મેમ્બર અને સેવાદળ પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય તળપદા કોળી સમાજના પ્રમુખ સ્થાન ધરાવે છે. તેમણે કોંગ્રેસ પક્ષના કોષાધ્યક્ષ તરીકે રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેઓ યુવા, શિક્ષિત અને તળપદા કોળી જ્ઞાતિના જાણિતા ચહેરા હોવાથી કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર તેમની પસંદગી કરી છે.
સુરેન્દ્રનગરમાં સાત વિધાનસભાનો સમાવેશ
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર શરૂઆતથી જ કોળી સમાજના મતદારોનું પ્રભુત્વ રહ્યું છે અને રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજના ઉમેદવારને જ છેલ્લા ઘણાં વર્ષોથી ટિકિટ આપી અને સાંસદ તરીકે ચૂંટાઈને દિલ્હી સુધી મોકલ્યા છે. આ બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણા, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાનો સમાવેશ થાય છે.
આ બેઠક ક્યારે અસ્તિત્વમાં આવી
સુરેન્દ્રનગર લોકસભા બેઠક વર્ષ 1962થી અસ્તિત્વમાં આવી. આઝાદી પછી ત્રણ ચૂંટણી એટલે કે 1957 સુધી આ બેઠકનું નામ ઝાલાવાડ હતું. એ પછી સુરેન્દ્રનગર નામ કરી દેવામાં આવ્યું હતું. આ બેઠક પર 1952થી 1962 સુધી કોંગ્રેસનો કબજો રહ્યો હતો. પરંતુ 1989ની ચૂંટણીથી ભાજપે પોતાની તાકાત બતાવવાની શરૂઆત કરી દીધી હતી.
આ બેઠક પર સૌથી લાંબા સમય સુધી સોમા પટેલ સાંસદ રહ્યા
સુરેન્દ્રનગર બેઠક પર સૌથી લાંબો સમય સોમા પટેલ સાંસદ રહ્યા છે. તેઓ વર્ષ 1989માં ભાજપમાંથી સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી અને આ બેઠક પર પહેલીવાર ભાજપનો વિજય થયો હતો. ત્યાર બાદ 1991ની લોકસભા બેઠક પર ભાજપે ફરી સોમા પટેલને ટિકિટ આપી હતી. તે ચૂંટણીમાં પણ સોમા પટેલ વિજેતા બન્યા હતા. આમ સતત બે વાર સોમા પટેલ આ બેઠક પર વિજેતા થયા હતા. વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં ફરી એક વાર ભાજપે સોમા પટેલને ટિકિટ આપી હતી, જેમાં તેમણે જીત મેળવી હતી. જો કે, ત્યારબાદ સોમા પટેલ પક્ષપલટો કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. 2009માં કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પરથી તેમને ટિકિટ આપી હતી, જેમાં તેમનો વિજય થયો હતો.
લોકસભા 2019- 2014માં ભાજપના ઉમેદવારની જીત
• 2019માં ભાજપના ડો. મહેન્દ્ર મુંજપરાને 631,844 મત મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના સોમા પટેલને 3,54,407 મત મળ્યા.
• ત્યારે ભાજપના ઉમેદવારને 58.63 ટકા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 32.88 ટકા મત મળ્યા હતા.
• એ વર્ષે બસપા,અપક્ષ અને નોટામાં પણ સરેરાશ 32 હજારથી વધુ મત પડ્યા હતા.
• 2014માં ભાજપના દેવજી ફતેપરાને 5,29,003 મત મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના સોમા પટેલને 3,26,096 મત મળ્યા.
• ભાજપના ઉમેદવારને 56 ટકા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 34.52 ટકા મત મળ્યા હતા.
• એ વર્ષે આપ,અપક્ષ અને નોટામાં 38 હજારથી વધુ મત પડ્યા હતા.
સુરેન્દ્રનગરના વિજેતા સાંસદોની યાદી
સુરેન્દ્રનગર બેઠકનું જાતીય સમીકરણ
સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર અત્યાર સુધીની 15 ચૂંટણીમાં સાત વખત કોંગ્રેસ જ્યારે ભાજપનો છ વખત વિજય થયો છે તો સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટીનો એક વખત વિજય થયો છે. સુરેન્દ્રનગર બેઠક પર ચુવાળિયા કોળી મતદારોની સંખ્યા વધારે હોવાથી સમાજનો ગઢ માનવામાં આવી રહ્યો છે. આ સિવાય ક્ષત્રિય, દલિત, પાટીદાર, માલધારી, દલવાડી, બ્રાહ્મણ, જૈન, મુસ્લિમ મતદારોનું પણ પ્રભુત્વ જોવા મળે છે.