સુરેન્દ્રનગરમાં પ્રસાદ આરોગતા જ ઝાડા-ઊલટી સાથે લથડી તબિયત, 30થી વધુ લોકોને થયું ફૂડ પોઇઝનિંગ
Surendranagar Food Poisoning: સુરેન્દ્રનગરના દેદાદરામાં 30થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થવાની ઘટના સામે આવી છે. માતાજીના ધાર્મિક પ્રસંગમાં પ્રસાદનું સેવન કર્યાં બાદ એકાએક લોકોની તબિયત લથડવા લાગી હતી. ઘણાં લોકોની ઝાડા-ઊલટી સાથે તબિયત લથડી હતી. હાલત ગંભીર થતાં જ લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
શું હતો સમગ્ર બનાવ?
સુરેન્દ્રનગરના દેદાદરામાં લોકોએ પ્રસાદ આરોગ્યા બાદ 30 થી વધુ લોકોની ઝાડા-ઊલટી સાથે એકાએક તબિયત લથડવા લાગી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તમામને ફૂડ પોઇઝનિંગ થયું હોવાની જાણ થઈ. જોકે, એકાએક આટલી મોટી સંખ્યામાં દર્દીઓનો ઘસારો થતાં, તંત્ર યોગ્ય સારવાર આપવામાં નિષ્ફળ રહી હતી. તંત્રની બેદરકારી અને પરિવારજનોની ચિંતા વધી ગઈ હતી. જેના કારણે સ્થાનિકોએ હોસ્પિટલમાં જ હોબાળો કર્યો હતો.
તંત્રએ નમૂના લઈ કરી તપાસ
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધતાં અન્ય દર્દીઓને દેદાદરા, કોઠારિયા, વઢવાણ અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે, સમગ્ર બનાવની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આરોગ્ય અધિકારીઓએ પ્રસાદના નમૂના ચકાસણી માટે લઈ ગયાં છે. જેથી, ઘટનાનું મૂળ કારણ જાણી યોગ્ય કાર્યવાહી હાથ ધરી શકાય.