બોગસ સ્પોન્સર લેટર થકી નેશનલ ફાયર કોલેજમાંથી સર્ટિફિકેટની ફરિયાદ બાદ વિજીલન્સ તપાસ શરૂ, સુરત ફાયર વિભાગમાં ફફડાટ
Surat Fire Department : સુરત પાલિકાના ફાયર વિભાગમાં સબ ફાયર ઓફિસર લાયકાત માટેના સ્પોન્સર લેટર સામે અનેક ફરિયાદો બાદ તપાસ સોંપવામાં આવી છે. નાગપુરની નેશનલ ફાયર સ્પોન્સર લેટર અંગે વિજીલન્સ તપાસ શરૂ થતા ફાયર વિભાગમાં ફફડાટ ફેલાયો છે. પાલિકાના ફાયર વિભાગમાં ચાલતી ચર્ચા મુજબ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અમદાવાદની જેમ સુરતમાં પણ બોગસ સ્પોન્સર લેટરવાળા અધિકારી નીકળી શકે છે. જોકે, આ અંગેની તપાસ નિષ્પક્ષ તપાસ થાય અને રિપોર્ટ તરત જાહેર કરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં ફાયર વિભાગના અધિકારીઓની ભરતીમાં કૌભાંડની ફરિયાદ બાદ વિજીલન્સ તપાસ સોંપવામાં આવી હતી. જેમાં નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજ બોગસ સ્પોન્સર લેટરનું કૌભાંડ બહાર આવ્યું હતું અને 9 ઓફિસરોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. સુરતમાં પણ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજના સર્ટીફીકેટ માટે પણ વિજીલન્સ વિભાગને તપાસ સોંપી દેવામાં આવી છે. પાલિકાના ફાયર વિભાગ દ્વારા વિજીલન્સ વિભાગને પત્ર લખીને કર્મચારીઓને અમદાવાદ પાલિકા દ્વારા હાંકી કાઢવાના નિર્ણય બાદ સુરતમાં પણ સ્પોન્સર લેટર થકી નાગપુરની કોલેજમાંથી સર્ટિફિકેટ મેળવી નોકરીએ લાગેલા ડિવિઝનલ ઓફિસર સબ ઓફિસરોના સ્પોન્સર લેટરની ખરાઈ કરવા જણાવ્યું છે.
સુરત પાલિકાના વિજીલન્સ વિભાગે રીક્રુટમેન્ટ વિભાગ પાસે હાલ ફરજમાં કાર્યરત ડિવિઝનલ ઓફિસર, સબ ઓફિસરો જે સ્પોન્સર લેટર થકી નાગપુરની નેશનલ ફાયર કોલેજમાંથી સર્ટિફિકેટ લઇને આવ્યા છે, તે કર્મચારીઓની વિગતો માંગી છે. પાલિકાના વિજીલન્સ વિભાગે નાગપુરની નેશનલ ફાયર સ્પોન્સર લેટર માટેની તપાસ શરૂ કરી દીધી છે તેના કારણે ફાયર વિભાગમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. વિજિલન્સ વિભાગ દ્વારા કર્મચારી કોલેજમાં પ્રવેશ વખતે રજૂ કરાયેલ સ્પોન્સર લેટરની ખરાઈ કોલેજમાં તથા જે-તે સંસ્થામાં જઈને કરવામાં આવશે. ઉપરાંત જે-તે સંસ્થા દ્વારા કર્મચારી ખરેખર સ્પોન્સર લેટર આપવામાં આવ્યો હોય તો તે અંગેïની સંમતિપત્ર પણ સંસ્થા પાસે મેળવવામાં આવશે. જો આ પ્રકારે તટસ્થ તપાસ થાય તો સુરતમા પણ અનેક કર્મચારીઓના સ્પોન્સર લેટર બોગસ હોવાની વાત બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.