સુરતની ટ્રેડિશનલ મીઠાઈ 'ઘારી' સમયની સાથે બની ફેન્સી: ચંદની પડવા પર ફ્લેવર્ડ ઘારીની બોલબાલા
Surat Ghari Sweet : સુરતીઓનો પોતીકો ગણાતો તહેવાર એવા ચંદની પડવામાં સુરતમાં કરોડો રૂપિયાની ઘારીનું વેચાણ થાય છે. સુરતમાં બારમાસ માવા ઘારી અને બદામ પીસ્તા ઘારી મળી રહી છે પરંતુ જ્યારે ચંદની પડવો આવે છે ત્યારે આ ઘારી જાણે આઉટડેટેડ બની ગઈ હોય તેમ તેનું વેચાણ ઓછું થાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સુરતના બજારમાં ડઝનથી વધુ ફ્વેલર્ડ ઘારી બને છે અને દર વર્ષે ઘારીમાં નવી ફ્લેવર્ડનો ઉમેરો થાય છે. આ વર્ષે સુરતના મીઠાઈ બજારમાં બનાના-હની, સ્વીઝ ચોકલેટ અને બ્લુ બેરી અને કલકત્તા પાન જેવી ફ્લેવર્ડ સહિત અનેક ફ્લેવર્ડની ઘારીનું વેચાણ થઈ રહ્યું છે.
તહેવારની ઉજવણીમાં અવ્વલ એવા સુરતમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. એમાં પણ ચંદની પડવો તહેવાર સુરતનો પોતાનો તહેવાર છે. સુરત શિવાય ભાગ્ય જ કોઈ શહેરમાં ચંદની પડવાની ઉજવણી આવી ભવ્ય રીતે થતી હોય છે. સુરતમાં આ દિવસે કરોડો રૂપિયાની ઘારી ઝાપટી જાય છે પરંતુ સુરતીઓને દર વર્ષે કંઇક નવુ જોઈતું હોવાથી શહેરની મીઠાઈની દુકાનો પર વિવિધ પ્લેવર્ડવાળી ઘારીનું વેચાણ થઈ રહ્યું છે.
ખાણી-પીણીના શોખીન સુરતીઓ અનેક વાનગીના ટેસ્ટ ટ્વિસ્ટ કરી રહ્યાં છે તેથી તેઓએ ઘારીના ટેસ્ટમાં પણ ટ્વીસ્ટ કર્યો છે. ટેસ્ટને ટ્વીસ્ટ કરવામાં માહિર સુરતીઓએ ઘારીમાં પણ વિવિધ ટેસ્ટ લાવવાનું શરુ કરી દીધું છે. સુરત શહેરમાં એક ડઝન કરતાં વધુ ટેસ્ટની ઘારી બનાવી વેચાણ થઈ રહ્યું છે. ઘારી બનાવનારા રોહન મીઠાઈવાલા કહે છે, આજના યંગસ્ટર્સને ચોકલેટનો ટેસ્ટ વધુ પસંદ હોય ચોકલેટ ઘારી ઉપરાંત આ વર્ષે બનાના હની ઘારી સાથે બ્લુબેરી ઘારી, કાજુ મંગો ઘારી, સ્ટોબરી નટસ ઘારી, કલકત્તી પાન ઘારી સહિત અનેક ટેસ્ટમાં ઘારી બનાવી છે.
છેલ્લા 50 વર્ષ કરતાં વધુ સમયથી ઘારીના વ્યવસાય સાથે સંકળાયેલા સુભાષ ઠક્કર કહે છે, ઘારીના નવા ટેસ્ટ બનાવવાની કામગીરી ઘણી મુશ્કેલ છે. પહેલાં તો આ ધંધા સાથે સંકળાયેલા લોકો ભેગા થાય છે અને પછી નવા ટેસ્ટ માટે ડિકસક કરે છે પહેલા સેમ્પલ ઘારી બનાવે છે અને તેના લેબ ટેસ્ટ કરાવવા સાથે કેટલાક લોકોને ટેસ્ટ પણ કરવામાં આવે છે. ત્યારબાદ નવો ટેસ્ટ ડેવલપ થાય છે અને દર વર્ષે નવા ટેસ્ટનો ઉમેરો થાય છે. જોકે, આ ફ્લેવર્ડ ઘારી માત્ર ચંદની પડવાના બે પાંચ દિવસ જ મળે છે. બાકી આખું વર્ષ માવા ઘારી, બદામ પિસ્તા-કેસર પિસ્તા ઘારીનું વેચાણ થાય છે.
આ ફ્લેવર્ડની ઘારીનું વેચાણ થાય છે
- માવા ઘારી
- બદામ પિસ્તા ઘારી
- કેસર પિસ્તા ઘારી
- ક્રિષ્ના કસ્તુરી ઘારી
- બ્લુબેરી ઘારી
- સ્વીઝ ચોકલેટ ઘારી
- કાજુ મેંગો મેજીક ઘારી
- અંજીર અખરોટ ઘારી
- સ્ટોબરી નટ્સ, ઘારી
- કલકત્તી પાન ઘારી
- બનાના હની ઘારી
- ઓરેન્જ બુખારી ઘારી
- સુગર ફ્રી ઘારી
હેલ્થ કોન્સિયસ માટે શુગર ફ્રી અને ઘી વગરની ઘારી પણ મળે છે
ખાણી પીણીના શોખીન ગણાતા ઘણાં સુરતીઓ હેલ્થ કોન્સિયસ પણ છે તેથી ઘી અને ખાંડ થી ભરપુર ઘારી ખાવાના બદલે ધી વિનાની ઘારી ખાવાનો આગ્રહ રાખે છે તેવી રીતે ડાયાબિટીસના દર્દીઓ માટે સુરતના મીઠાઈ બજારમાં શુગર ફ્રી ઘારી પણ વેચાઈ રહી છે.
વ્યસ્ત અને ટેન્શનવાળી જિંદગીના કારણે સુરતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં ડાયાબીટીસના દર્દીઓ વધુ છે પરંતુ તેઓ પણ અન્ય સુરતીઓની જેમ તહેવારની ઉજવણી ભવ્ય રીતે કરે છે. જોકે, ચંદની પડવાનો તહેવાર ઘારી વિના અધુરો છે અને રસઝરતી ઘારી ખાંડ વિના અધૂરી છે તેથી આવી ઘારી ડાયાબિટીસના દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ હોવાથી સુરતના બજારમાં ખાસ શુગર ફ્રી ઘારીની એન્ટ્રી છેલ્લા ઘણાં વર્ષોથી થઈ છે અને હવે શુગર ફ્રી ઘારીનું વેચાણ પણ મોટા પાયે થાય છે.