'પીધેલાં પકડાય છે તેમાં 15માંથી 10 યુવાન પટેલ હોય છે', પાટીદાર મહિલા PSIનો ચોંકાવનારો દાવો
Surat PSI Viral Video : ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ થતું હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. રાજ્યમાં જાણે નામની જ દારૂબંધી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સુરતના સરથાણના મહિલા PSIનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, 'દારૂ પીધેલા ઝડપાતા 15 યુવાનોમાંથી 10 પાટીદાર યુવાનો હોય છે. જ્યારે સાયબર ફ્રોડના કેસમાં 50 ટકા પટેલ સમાજ હોય છે...'
સુરતના મહિલા PSIએ શું કહ્યું?
રાજ્યમાં રોજના અનેક દારૂની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના PSIએ એક કાર્યક્રમમાં દારૂને લઈને વાત કરી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા PSIએ કહ્યું કે, ' હું તમને સરધાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમારું કામ છે કે, સૌથી વધુ નશાની હાલતમાં હોય તેમના કેસ નોંધવા. અમે અમારા ટાર્ગેટ પ્રમાણે જઈએ છીએ. જેમાં દારૂ પીધેલા ઝડપાતા 15 યુવાનોમાંથી 10 પાટેલ સમાજના યુવાનો હોય છે. આ વિચારવાની વાત છે. જ્યારે પીધેલા પકડાયા બાદ છોડવાની ભલામણ કરતા હોય છે. આમ કોઈપણની ભલામણ આવે પરંતુ મારા પટેલ સમાજને તમારે છોડવાના નથી, એક રાત તે લોક-અપમાં રહેશે એટલે ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય.'
સાયબર ફ્રોડના કેસની વાત કરતાં મહિલા PSIએ કહ્યું કે, 'સાયબર ફ્રોડના કેસમાં 50 ટકા પટેલ સમાજ હોય છે. શું કામ ખોટા રસ્તે જાવ છો. પટેલ સમાજે આટલી નામના મેળવી છે, તો શું કામ પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ કહેતા હોય છે કે તમારો સમાજ છે, ત્યારે કેટલી શરમ આવે...'
જ્યારે મહિલા PSIના નિવેદન મામલે દિનેશ બાંભણીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'હું મહિલા PSIના વાતને સમર્થન આપું છું અને સમાજે આ બાબતે ગંભીરતાથી વિચારવાની સાથે મંથન કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. પોલીસની કાર્યવાહી કડક થવાથી કોઈ ભલામણ ન કરવી.'