ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડતા દિવાળી પહેલા સુરતના ગેમઝોન શરૂ થવાની સંભાવના
Surat Gamezone : રાજકોટની ગેમઝોનની આગ દુર્ઘટના બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ગેમઝોન બંધ કરી દેવાયા હતા. જોકે, હવે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે તેના કારણે ગેમઝોન સંચાલકોની દિવાળી સુધરે તેવી શક્યતા રહેલી છે. સુરત પાલિકા કેટલાક દિવસથી ગેમઝોનની સાઈટ વિઝીટ કરી ફાઈલ પર કામગીરી કરી રહી છે. આ કામગીરી જોતા દિવાળી પહેલાં ગેમઝોન શરૂ થાય તેવી શક્યતા વધી રહી છે.
રાજકોટ ગેમઝોન કરુણાંતિકા બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતના ગેમઝોન સીલ કરી દેવામાં આવ્યા હતા. ગેમઝોન સંચાલકો દ્વારા વારંવાર શાસકો અને પાલિકા તંત્રને રજુ કરીને ગેમ ઝોનના સીલ કરવા માટે રજૂઆત કરી હતી પરંતુ સરકારના નિયમોને કારણે પાલિકાએ સીલ ખોલ્યા ન હતા. પરંતુ હાલમાં સરકાર દ્વારા ગેમિંગ ઝોનની મંજૂરી/સીલ ખોલવા માટેના નિયમોમાં આપેલી છુટ-છાટ આપી છે. તેના કારણે સુરત પાલિકા અને પોલીસ સાથે મળીને સંકલન કરીને સુરત પાલિકા છેલ્લા ચાર-પાંચ દિવસથી ગેમઝોનની સાઈટ વિઝીટ કરી રહી છે. નવા નિયમો મુજબ હયાત સાઇટ પરથી જરૂરી દબાણો દૂર કરવા અને સંપૂર્ણ ખાતરી થયેથી પોલીસ વિભાગે અભિપ્રાય મોકલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જોકે, હાલમાં સરકારના નિયમના આધારે શોપિંગ સેન્ટર, શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ સિનેમા, ક્લબ, રિસોર્ટ તથા અન્ય મનોરંજનના વિસ્તારમાં કાર્યરત તમામ ગેમિંગ ઍક્ટિવિટી એરિયાને પણ, જો અગાઉ બાંધકામ સહિત જરૂરી સરકારી મંજૂરી મેળવી હોય, તો નવા નિયમોમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. હાલ જે કામગીરી થઈ રહી છે તેના કારણે દિવાળી પહેલા સુરતમાં ગેમ ઝોન શરૂ થાય તેવી શક્યતા વધી રહી છે.