સુરતના એડી.ચીફ જજ અને વેસુના P.Iને કોર્ટ હુકમના તિરસ્કાર બદલ સુપ્રીમ કોર્ટે દોષી ઠેરવ્યા
સુપ્રીમ કોર્ટના આગોતરા જામીન છતા ઠગાઇ કેસમાં આરોપીની ધરપકડ કરીને ટ્રાયલ કોર્ટમાંથી રિમાન્ડ મેળવી પોલીસે માર માર્યો હતો
સજા માટે તા.2જી સપ્ટેમ્બરે હાજર રહેવા નિર્દેશ
સુપ્રીમ કોર્ટના આગોતરા જામીન છતા ઠગાઇ કેસમાં આરોપીની ધરપકડ
કરીને ટ્રાયલ કોર્ટમાંથી રિમાન્ડ મેળવી પોલીસે માર માર્યો હતો
સુરત પોલીસ કમિશ્નર અજય તોમર, ડીસીપી વિજયસિંહ ગુર્જર, ફરિયાદીની વિરુધ્ધની કન્ટેમ્પ્ટ નોટિસને સુપ્રીમ કોર્ટે ડિસ્ચાર્જ કરતો હુકમ કર્યો
Surat News | વેસુ પોલીસમાં નોંધાયેલા ઠગાઈ કેસમાં આરોપીને સુપ્રિમ કોર્ટમાંથી વચગાળાના આગોતરા જામીન મેળવ્યા હોવા છતાં તેની ધરપકડ કરી સુરતની એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાંથી મેળવેલા રિમાન્ડ દરમિયાન પોલીસ કસ્ટડીમાં આરોપીને માર મારી અદાલતી હુકમના તિરસ્કાર બદલ સુપ્રિમ કોર્ટના જસ્ટીસ બી.આર.ગવાઈ તથા જસ્ટીસ સંદિપ મહેતાની બેન્ચે વેસુ પોલીસ મથકના પીઆઈ રાવલ તથા સુરતના છઠ્ઠા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દિપાબેન ઠાકરને દોષી ઠેરવી સજા માટે આગામી તા.2જી સપ્ટેમ્બરે હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.
એક જ મિલકત એકથી વધુ લોકોને વેચીને કુલ રૃ1.65 કરોડની ગુનાઈત ઠગાઈના કારસામાં સંડોવાયેલા આરોપી સુમિત ગોયેન્કા, તુષાર શાહ,રાજુસિંહ,ઓમકારસિંહ વગેરે વિરુધ્ધ સુરતના વેસુ પોલીસ મથકમાં ગુનાઈત ઠગાઈના કારસા બદલ ફરિયાદ નોંધાઈ હતી.આ કેસમાં આરોપી તુષાર શાહે સુપ્રિમ કોર્ટમાંથી શરતી વચગાળાના આગોતરા જામીન નો હુકમ મેળવ્યો હોવા છતાં વેસુ પોલીસ મથકના તપાસ અધિકારી પીઆઈ વાય.આર.રાવલે આરોપીને તા.12-12-2023ના રોજ નોટીસ આપી પોલીસ કસ્ટડીની અરજીનો જવાબ આપવા સુરતના છઠ્ઠા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દિપાબેન ઠાકરની કોર્ટ હાજર રહેવા જણાવ્યું હતુ.તદુપરાંત ટ્રાયલ કોર્ટે પણ આરોપી તુષાર શાહને ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરીને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.વેસુ પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપી તુષાર શાહને માર મારીને સ્ટેમ્પ પેપર તથા ડાયરીમાં સહી અંગુઠા મરાવી લેવામાં આવ્યા હતા.જે અંગે સુપ્રિમ કોર્ટના શરતી આગોતરા જામીનના હુકમની અવમાનના કરવા બદલ ફરિયાદી તુષાર શાહે સુરતના સ્થાનિક વકીલ દિપેશ દલાલ સીનીયર કાઉન્સેલ આઈ. એસ.સૈયદ વગેરે દ્વારા સ્પેશ્યલ કન્ટેમ્પ્ટ પીટીશન દાખલ કરી હતી.જેથી સુપ્રિમ કોર્ટની ડીવીઝન બેન્ચે ગુજરાત સરકારના ગૃહ વિભાગના એડીશ્નલ મુખ્ય સચિવ,સુરત શહેર પોલીસ કમિશ્નર,ડેપ્યુટી પોલીસ કમિશ્નર,વેસુ પોલીસ મથકના પીઆઈ રાવલ,સુરતના એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટને ગઈ તા.10મી જાન્યુઆરીના રોજ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટીસ ઈશ્યુ કરી હતી.જેની સુનાવણી સુપ્રિમ કોર્ટની ડીવીઝન બેન્ચે ચુકાદો અનામત રાખ્યો હતો.
આજે સુપ્રિમ કોર્ટની ડીવીઝન બેંચે આરોપી અરજદાર તુષાર શાહને શરતી આગોતરા જામીન મંજુર કરીને વેસુ પોલીસ મથકના પીઆઈ આર.વાય.રાવલ તથા છઠ્ઠા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દિપાબેન ઠાકરને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ બદલ દોષી ઠેરવી સજા માટે આગામી તા.2જી સપ્ટેમ્બરના રોજ હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.જ્યારે સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમર,ડીસીપી ઝોન-4 વિજયસિહ ગુર્જર ફરિયાદી અભિષેક ગોસ્વામી વિરુધ્ધની કન્ટેમ્પ્ટ નોટીસને ડીસ્ચાર્જ કરતો હુકમ કર્યો છે.સુપ્રિમ કોર્ટે સુરત મેજીસ્ટ્રેટે પોલીસ કસ્ટડીનો હુકમ ન્યાયના હિતમાં શુધ્ધબુધ્ધિપુર્વકનો તથા કાનુની પરિસ્થિતિની ગેરસમજના લીધે થયાનો બચાવ નકારી કાઢ્યો છે.સુપ્રિમ કોટે ટ્રાયલ કોર્ટના રિમાન્ડ હુકમને પક્ષપાત ભર્યો હોવાનો નિર્દેશ આપ્યો છે.