Get The App

પોંક નગરીમાં સુરતીઓ પોંકની વાનગીમાં ભેળસેળથી અજાણ, પોંક વડાના બદલે જુવાર વડાનું બજાર ધમધોકાર

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
પોંક નગરીમાં સુરતીઓ પોંકની વાનગીમાં ભેળસેળથી અજાણ, પોંક વડાના બદલે જુવાર વડાનું બજાર ધમધોકાર 1 - image

image : Social media

Surat : શિયાળાની શરૂઆત સાથે જ સુરતમાં પોંકની સિઝન શરૂ થઈ જાય છે પોંકની સાથે-સાથે પોંકની બનેલી જાત જાતની વાનગીઓનું પણ વેચાણ થઈ રહ્યું છે.    સુરતમાં પોંક નગરી કેટલાક લોકો ટેસથી વાનગીઓ આરોગી રહ્યાં છે પરંતુ પોંક વડા અને અન્ય વાનગીઓમાં ભેળસેળ પકડાતી નથી સુરતીઓ પોંક વડાના બદલે જુવાર વડા ખાઈ રહ્યાં છે. પોંકની બનાવટની ખાદ્ય સામગ્રી વેચતાં કેટલાક વેપારીઓએ વધુ પૈસા કમાવવા માટે શોર્ટ કટ અપનાવ્યો છે તેના કારણે સુરતીઓના ટેસ્ટ સાથે પેટ પણ બગડી રહ્યું હોવાની ફરિયાદ છે.

હાલમાં શિયાળાની શરુઆતથી સુરતમાં મોડે મોડે પોંકનું આગમન થયું છે અને મીઠાઈ કરતાં પણ વધુ મોંઘો પોંકનું વેચાણ થઈ રહ્યું છે. પરંતુ સુરતમાં પોંકની બનતી વાનગી અને પોંક સાથે ખવાતી વાનગીઓમાં ભેળસેળ હોવાની ફરિયાદ બહાર આવી છે. 

સુરતના બજારમાં પોંક સાથે લીંબુ મરી સેવનું વેચાણ થાય છે. કેટલીક જગ્યાએ લીંબુ મરીની સેવમાં લીંબુ અને મરીનો ઉપયોગ થતો ન હોવાની ફરિયાદ છે. આ સેવમાં લીંબુના રસને બદલે સસ્તો પડે તેવા લીંબુના ફૂલનો ભરપૂર ઉપયોગ થાય છે. આ ઉપરાંત મરી પણ મોંઘા હોવાથી તિખાસ માટે લાલ મરચું પાવડર ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. જ્યારે પોંક વડામાં કેટલાક વેપારીઓ ચણાની દાળને બદલે સસ્તા મળતા ખમણનો ભૂકો કરી તેમાં કાંદા, ગરમ મસાલો અને સુગંધ માટે બાદિયાના ફુલનો પાઉડરનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત પોંક વડામાં પોંકના બદલે પલાળેલી કે બાફેલી જુવારનો ઉપયોગ કરી રહ્યાં છે. પોંકની સાથે લીંબુ મરી સેવ સાથે લાલ મરચા અને સાદી સેવનો પણ ઉપાડ રહે છે. તો કેટલાક વેપારીઓ મોંઘા બેસનમાં સેવ બનાવવાના બદલે બેસનમાં ચોખાનો લોટ ઉમેરીને સેવ બનાવી રહ્યાં છે. આ ઉપરાંત પોંક વડા અને સેવ તળવામાં જે તેલનો ઉપયોગ કરે છે તે પણ હલકી ગુણવત્તાનું ઘણી વાર ઉપયોગમાં લેવામાં આવે છે. વધુ નફો કમાવવા માટે કેટલાક વેપારીઓ પોંક સાથે ખવાતી વસ્તુમાં આવા પ્રકારે થતી ભેળસેળ ગ્રાહકોને જલ્દી સમજમાં આવતી નથી. લોકો આવી વસ્તુ ખાઈને કહે છે પહેલા જેવો ટેસ્ટ રહ્યો નથી. પોંક અને પોંક સાથેની ખાદ્ય સામગ્રીના ટેસ્ટ બગડવા પાછળ કેટલાક વેપારીઓ ભેળસેળ કરી રહ્યાં તે પણ મહત્વનું પરિબળ છે.


Google NewsGoogle News