સુરત પશ્ચિમ ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ અને દમણના ચૂંટણી પ્રભારી બનાવાયા
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની રામ ભક્તિ પૂર્ણેશ મોદીને ફળી
પૂર્ણેશ મોદી સાથે સહ પ્રભારી તરીકે દુષ્યંત પટેલનું નામ જાહેર કરાયું, મોદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યજ્ઞમાં ભાગ લીધો હતો
Image Source: Twitter
22 જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ડાંગ અને શબરી ધામ નો કાર્યક્રમ તથા 1008 કુંડી યજ્ઞ ના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવનારા પૂર્ણેશ મોદીને દીવ અને દમણ ના પ્રભારી તરીકે નું ફળ મળ્યું છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ લોકસભાની ચૂંટણી વહેલી જાહેર કરવામાં આવશે તેવી અટકળો વચ્ચે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી માટેની કવાયત હાથ ધરી છે. જેમાં ભાજપના ગઢ એવા ગુજરાતને બાદ કરતા ભાજપે 23 રાજ્યના પ્રભારી જાહેર કરી દીધા છે. જેમાં ગુજરાતને અડીને આવેલા એવા કેન્દ્ર શાસિત પ્રદેશ એવા દીવ અને દમણ ના પ્રભારી તરીકે સુરત પશ્ચિમ વિધાનસભા ના ધારાસભ્ય અને પુર્વ મંત્રી પૂર્ણેશ મોદીની પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. મોદી સાથે સહ પ્રભારી તરીકે દુષ્યંત પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા તેમને ડાંગની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યાર બાદ દીવ અને દમણની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.