Get The App

લગ્નમાં જમવાનું ઓછું પડતા જાનૈયાઓએ ચાલતી પકડી, સુરત પોલીસ સમાધાન કરાવ્યું, પોલીસ સ્ટેશનમાં થયા હાર તોરા

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
લગ્નમાં જમવાનું ઓછું પડતા જાનૈયાઓએ ચાલતી પકડી, સુરત પોલીસ સમાધાન કરાવ્યું, પોલીસ સ્ટેશનમાં થયા હાર તોરા 1 - image


Surat News: સુરતના વરાછા વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લગ્ન પ્રસંગમાં જમવાનું ઓછું પડવાના કારણે વરરાજા પક્ષ લગ્ન વગર જ જાન લઈને પરત ફર્યા હતા. જોકે, વરાછા પોલીસની ટીમે જાનૈયાઓને સમજાવીને સુખદ સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ વરાછા પોલીસ મથકમાં જ લગ્નની બાકી રહેલી હાર તોરાની વિધિ સંપન્ન થઈ હતી.

સમગ્ર ઘટના એમ છે કે, સુરત શહેરના વરાછા માતાવાડી પાસે લક્ષ્મી નગરની વાડીમાં લગ્નનું આયોજન હતું. જ્યાં મૂળ બિહારના વતની યુવક રાહુલ પ્રમોદ મહંતો અને યુવતી અંજલી કુમારી મીટુસિંગની લગ્નની વિધિ ચાલી રહી હતી. પરંતુ લગ્ન પ્રસંગ દરમ્યાન જમવાનું ઓછું પડી ગયું હતું. બસ આ જ વાતને લઈને જાનૈયાઓ નારાજ થઇ ગયા હતા અને બંને પરિવારજનો વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ લગ્ન વગર જ જાન પરત ફરી હતી.

આ ઘટના બાદ તાત્કાલિક કન્યાપક્ષના લોકો વરાછા પોલીસ મથક પહોંચ્યાં હતા. જે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ વરાછા પોલીસની ટીમે તાત્કાલિક પગલાં લઈને વરરાજા અને તેના પરિવારજનોનો સંપર્ક કરાવ્યો હતો અને તેઓને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જ્યાં બંને પરિવારોનું સમાધાન કરાવ્યું હતું. 


આ પણ વાંચો: સુરત શહેર પ્રમુખ અને મહામંત્રીએ અભિનંદનની પોસ્ટમાં લોચા મારી દીધા

બાદમાં કન્યાએ કહ્યું કે, 'જો અમે ફરીથી ત્યાં જઈશું તો ફરી વિવાદ થવાની સંભાવના છે.' તો એ કારણથી પોલીસ મથકમાં જ વરમાળાનું આયોજન કરવા પરવાનગી આપી હતી.

કન્યાપક્ષની વિનંતીને ધ્યાનમાં રાખીને ફરી વિવાદ ન સર્જાય તે માટે પોલીસ મથકમાં જ સિંદૂર, હારતોરા(વરમાળા) સહિતની લગ્નવિધી કરાઈ હતી. બાદમાં વર-વધુ સહિત બંને પક્ષોને પોલીસ મથકેથી વિદાય આપવામાં આવી હતી. હાલ, સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો વરાછા પોલીસની કામગીરીના વખાણ કરી રહ્યા છે.

ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, ડીજીપી અને સીપીના નિર્દેશ અનુસાર દરેક પોલીસ મથકમાં સાંત્વના કેન્દ્ર અને મહિલા હેલ્પ ડેસ્ક કાર્યરત છે. આ ઘટનામાં પોલીસની સક્રિય ભૂમિકાથી બે પરિવારોનું જીવન સુખમય બન્યું છે અને સમાજમાં પોલીસની છબી વધુ ઉજ્જવળ બની છે.

આ પણ વાંચો: સુરતના અલથાણ ડેપો ખાતે સેકન્ડ લાઈફ બેટરી સાથેનો 100 કિ.વો. ક્ષમતાનો રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરાશે

વધુમાં જણાવ્યું હતું કે, 'જમવાનું ઓછું પડી જતા બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. કન્યાનું નામ અંજલી કુમારી છે અને વરનું નામ રાહુલ પ્રમોદ મહંતો છે. તેઓ મૂળ બિહારના વતની છે અને લગ્નની બાકી વિધિ પૂર્ણ થઇ ગઈ હતી, ખાલી વરમાળાની વિધિ જ બાકી હતી અને એક છોકરીની જિંદગીનો સવાલ હતો. જેથી પોલીસે પરવાનગી આપી હતી અને આ વિધિ પોલીસ મથકે થઇ હતી.


Google NewsGoogle News