મંદી અને મોંઘવારીનો પેચ કાપીને સુરતીઓએ ઉત્સાહ-ઉમંગથી ઉતરાયણની કરી ઉજવણી
Surat Uttarayan 2025 : ઉત્સવ પ્રિય સુરતીઓ માટે ઉતરાયણનો તહેવારનો ભારે ઉત્સાહ હોય છે તેમાં પણ આ વખતે 14 જાન્યુઆરીના રોજ પવને સાથ આપતા સુરતીઓએ મોંઘવારીની પેચ કાપીને ઉત્સાહભેર ઉતરાયણની ઉજવણી કરી હતી. સુરતમાં ઉતરાણ સાથે વાસી ઉત્તરાયણનુ મહત્વ પણ વધુ હોય છે. આ વર્ષે ઉતરાયણની આગળ પાછળ રજા જોડાતી ન હોવા છતાં મંગળવારની ઉતરાયણની સુરતીઓએ મન મુકીને મઝા માણી હતી અને આજે બુધવારે પણ અનેક ધાબા પર ઉત્તરાયણનો માહોલ જોવા મળ્યો હતો. સુરતમાં દિવસે પતંગબાજીથી તો રાત્રીના આતાશબાજી વિવિક કલરોથી આકાશ ઉભરાયું હતું. દિવસ દરમિયાન રંગબેરંગી પતંગોથી આકાશ ઉભરાયું હતું. જ્યારે અંધારુ થતાંની સાથે જ દિવાળી જેવો માહોલ બની ગયો હતો અને અનેક જગ્યાએ આતશબાજી અને ફટાકડા ફૂટ્યા હતા.
ગઈકાલ મંગળવારે ઉતરાયણના દિવસે સુરતમાં વહેલી સવારથી જ રહેણાંક સોસાયટીના મકાન અને એપાર્ટમેન્ટના ટેરેસ પર સુરતીઓ પતંગ ફીરકી લઈ પહોંચી ગયા હતા. અનેક શોખીન લોકોએ ટેરેસ પર ડીજે અને સ્પીકર જેવા ઉપકરણ મૂકીને પોતાના મનપસંદ ગીત મૂકવાનું શરૂ કરી દીધું હતું. પોતાનું પસંદગીનું મ્યુઝિક અને પવનના સાથના કારણે સુરતીઓની ઉતરાયણની ઉજવણી ભવ્ય બની ગઈ હતી.
મંગળવારે ઉતરાયણના દિવસે સુરતીઓએ પવનના સથવારે મન મુકીને પતંગ ચગાવ્યા હતા જેના કારણે દિવસ દરમિયાન સુરતનું આકાશ વિવિધ કલર અને વિવિધ આકારના પતંગોથી ઉભરાયેલું જોવા મળ્યું હતું. જોકે,સૂરજ અસ્ત થતાંની સાથે જ સુરતમાં ઉતરાયણ નહીં પરંતુ દિવાળી હોય તેવો માહોલ ઉભો થયો હતો. દિવસ દરમિયાન પતંગ ચગાવતા સુરતીઓ રાત્રિના સમયે સુરતીઓએ આતશબાજી અને ફટાકડા એવી રીતે ફોડ્યા હતા કે સુરતનું આકાશ આતશબાજીથી ભરાઈ ગયું હતું.
સુરતમાં વાસી ઉતરાયણનો પણ ભારે ક્રેઝ છે પરંતુ આ વર્ષે વાસી ઉતરાયણ સપ્તાહના કામ કાજના દિવસ એવા બુધવારે હોવા છતાં પણ સુરતીઓ વહેલી સવારથી જ પહોંચીને પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે આજે પણ ઉતરાણ હોય તેવા પતંગ સુરતમાં ચગતા જોવા મળી રહ્યાં છે.
સુરતીઓએ પતંગ ચગાવવા સાથે ધાબા પાર્ટી કરી
અન્ય તહેવારની જેમ સુરતમાં ઉત્તરાયણના દિવસે પણ ખાણી પીણીનો ટ્રેન્ડ જોરમાં રહ્યા હતો. બે દિવસ મોટાભાગના સુરતીઓએ ઘરે બેસીને ખાવાના બદલે ટેરેસ પર પરિવાર અને મિત્રો સાથે ખાણી પીણીની જયાફત કરી હતી. આ બે દિવસ ખાણીપીણીનું સુરતીઓએ કરતાં ખાણી પીણીનું વેચાણ કરતાં અનેક વેપારીઓને તડાકો થઈ ગયો હતો.
સુરતમાં ઉત્તરાયણના દિવસે અનેક લોકોએ ટેરેસ પાર્ટી કરી હતી. પરિવાર અને મિત્રો સાથે ઉંધીયુ-પુરી અને જલેબીની પાર્ટી અનેક ટેરેસ પર થતી જોવા મળી હતી. જેના કારણે આ દિવસે સુરતમાં હજારો કિલો ઉંધીયાનું વેચાણ થયું હતું. આ દિવસે દશેરાની જેમ અનેક જગ્યાએ ચોખ્ખા ધીની જલેબીનું પણ વેચાણ જોવા મળ્યું હતું. ઊંધિયું અને જલેબી સાથે સાથે અસલ સુરતી ફરસાણની પણ ડિમાન્ડ જોવા મળી હતી. અનેક સુરતીઓએ સવાર અને સાંજે ઘરે ખાવાનું બનાવીને ખાવાના બદલે ઉતરાયણના દિવસે ધાબા પર ઉંધીયુ પુરીની જયાફત કરી હતી.