સુરતમાં ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડ્યું, કલાકો વીતી જવા છતાં નહીં મળતાં પરિજનો ચિંતિત
Surat 2 year Child News | સુરતના વરિયાવ વિસ્તારમાંથી રૂંવાડા ઊભા કરી દેતી ઘટના સામે આવી છે. શહેરના આ વિસ્તારમાં ગઇકાલે સાંજે એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હોવાની માહિતી છે. હજુ સુધી તેની શોધખોળ ચાલી રહી છે. બાળકની ઓળખ કેદાર તરીકે થઇ છે.
સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ અને સ્થાનિકો પણ બચાવ કામગીરી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે પાણીના તેજ વહેણને કારણે બાળક ઘણું આગળ સુધી પહોંચી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારે વાહન પસાર થતા મેનહોલનું ઢાંકણું તૂટી ગયું હતું
આ મામલે બાળકની માતાએ કહ્યું કે અમે રાધિકા પોઈન્ટ નજીકથી જઇ રહ્યા હતા ત્યારે મેનહોલમાં મારું બાળક પડી ગયું. ચીફ ફાયર ઓફિસર વસંત પારેખે કહ્યું કે મેનહોલનું ઢાકણ ભારે વાહન પસાર થવાને કારણે તૂટી ગયું હતું. તેમાં હાલમાં એક 2 વર્ષનું બાળક પડી ગયું છે. અમે તેની શોધખોળ કરી રહ્યા છે. રેસ્ક્યૂ માટે 60-70 કર્મચારીને તહેનાત કરાયા છે. હાલ કોઈ જાણકારી સામે આવી નથી.