ઘારી અને ભુસાના ભાવમાં વધારો છતાં સુરતીઓ ચંદની પડવો ઉજવવા માટે ઉતાવળા, ફરસાણ અને ભુસાની ઘરાકી જોઈ વેપારીઓ ખુશખુશાલ
Chandni Padva Special : આજે સુરતમાં ચંદની પડવાની ઉજવણીમાં ઘારીની સાથે-સાથે ફરસાણની દુકાનો પર ભુસુના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ ફરસાણની દુકાન પર અસલ સુરતી ભુસુની ખરીદી માટે લોકો ફરસાણની દુકાને પહોંચી ગયા હતા. રોજ સુરતમાં તળેલા સમોસા, પેટીસ અને કચોરી જેવા ફરસાણની ડિમાન્ડ હોય છે પરંતુ આજે હાફ ફ્રાયની ડિમાન્ડ જોવા મળી છે. આ ઉપરાંત સાંજે લાઈનમાં ઉભા રહીને ભુસાની ખરીદી કરવાના બદલે સવારથી જ લોકો સુરતી ભુસુ ખરીદી રહ્યાં છે જેના કારણે ફરસાણના વેપારીને તડાકો થઈ રહ્યો છે.
સુરતમાં આજે ચંદની પડવાના તહેવારની ઉજવણી માટે સુરતીઓ થનગની રહ્યાં છે. બેસન અને તેલના સતત વધતા ભાવના કારણે ફરસાણના ભાવમાં ઉછાળો આવી રહ્યો છે તેમ છતાં સુરતીઓ ચંદની પડવાની ઉજવણી માટે ઉતાવળા બની રહ્યાં છે. આજે સુરતની ફરસાણની દુકાનમાં અસલ સુરતી ફરસાણ ભુસુની બોલબાલા જોવા મળી હતી. રોજની જેમ સુરતીઓની સવાર ખમણ અને ફાફડા સાથે પડી હતી પરંતુ ચંદની પડવાનો તહેવાર હોવાથી સુરતીઓની સાંજ ઘારી અને ભુસુ, પેટીસ તથા સમોસાની ખરીદી માટે પહોંચી ગયાં હતા. સવારથી બપોર સુધીમાં સુરતની ફરસાણની દુકાનો પરથી હજારો કિલો હાફ ફ્રાય સમોસા, પેટીસ અને કચોરી જેવા ફરસાણનું વેચાણ થયું હતું.
સુરતમાં ચંદની પડવો હોય એટલે મીઠી રસ ઝરતી ઘારી સાથે સાથે અસલ સુરતી તીખુ ભુસાનું કોમ્બીનેશન કરીને પડવાની ઉજવણી કરે છે. જેના કારણે સુરતમાં ફરસાણની દુકાનોમાં બે દિવસ પહેલાં જ ભુસાનો સ્ટોક કરી દેવામાં આવે છે. સુરતમાં અસલ સુરતી ભુસુ (તીખા-મોળા ગાંઠિયા, પાપડી, તીખી-મીઠી બુંદી, પાપડી અને ચેવડા જેવા ફરસાણનું મિક્ષણ) નું પણ ધુમ વેચાણ થાય છે. લોકો પોતાના ટેસ્ટનું ભુસુ મળતું હોય તે જગ્યાએ ખરીદી કરવા માટે પહોંચી જાય છે તેના કારણે સુરતમાં ભુસાનું ધૂમ વેચાણ થયું હતું.
આ ઉપરાંત ઘારી અને ભુસા સાથે અસલ સુરતી સમોસા (ચણા દાળ-કાંદા, ફુદીનો અને મસાલો) તથા પેટીસ સહિતની વાનગીઓનું પણ ધૂમ વેચાણ થાય છે. આ દિવસે લોકો તળેલા કે હાફ ફ્રાય ફરસાણ લઈને ઘારી સાથે તેને આરોગીને ચંદની પડવાની ઉજવણી ઉત્સાહથી કરી હતી. સુરતીઓ તહેવાર સાથે ખાણીપીણીની જોડી દેતા હોય આવા તહેવારોમાં સુરતમાં ખાણીપીણીની દુકાનો માટે સારો એવો ધંધો થાય છે. અને તેના કારણે ફરસાણના વેપારીઓને તડાકો થઈ રહ્યો છે. હાલમાં ફરસાણમાં ભાવ વધારો હોવા છતાં સુરતીઓ તહેવારની ઉજવણીમાં કોઈ કચાસ છોડતા ન હોવાથી ફરસાણના વેપારીઓને સારો એવો ધંધો થયો હતો.