સુરત: ઉધના વિસ્તારમાં રાત્રે પડેલા મસ મોટા ભુવામાં ટેમ્પો પડી ગયો, લોકોમાં ભારે આક્રોશ
સુરતમાં વરસાદની સાથે સાથે ભુવા પડવાની ઘટના પણ અટકતી નથી. પાલિકાના રાંદેર ઝોનમાં ભુવા પડી રહ્યાં છે અને પાલિકા ભુવા રીપેર કરે તે પહેલાં જ ઉધનામાં વધુ એક મોટો ભુવો પડ્યો છે. ગઈકાલે રાત્રે ભુવો પડ્યો હતો તેમાં એક ટેમ્પો પણ પડી ગયો હતો જેના કારણે વાહન ચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. આ અંગેની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટરો પણ સ્થળ પર આવી ગયાં હતા અને તેઓએ પણ પાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. પાલિકા તંત્ર યોગ્ય કામગીરી કરતું ન હોવાથી લોકોની મુશ્કેલી વધી રહી છે.
સુરત પાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક ગઈકાલે રાત્રે અચાનક મોટો ભુવો પડ્યો હતો હજી લોકોને જાણ થાય તે પહેલાં અહીથી પસાર થતો એક ટેમ્પો રાત્રે ભુવામાં પડી ગયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
ભુવા અંગે લોકોએ સ્થાનિક કોર્પોરેટર ને જાણ કરતા કોર્પોરેટર સોમનાથ મરાઠે આવી ગયાં હતા અને પાલિકાના અધિકારીઓ સાથે સંકલન કરીને ભુવો રીપેર કરવાની કામગીરી ઝડપથી કરવા સૂચના આપી છે. આ ઉપરાંત તેઓએ પાલિકાની નબળી કામગીરીને કારણે ભુવો પડ્યો છે અને લોકો હેરાન થઈ રહ્યાં હોવાની વાત કરી હતી.