રાજકોટ અગ્નિકાંડના કારણે તક્ષશિલાની સ્મૃતિઓ તાજી થઈ: 13માંથી 12 આરોપીઓ તો જામીન પર મુક્ત
Surat Takshashila Fire: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનાએ સુરતમાં સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં ગોઝારા અગ્નિકાંડની દુઃખદ યાદ તાજી કરાવી છે. 24મી મે 2019ના રોજ કોચિંગમાં ક્લાસમાં આગ લાગતા 22 વિદ્યાર્થીઓના કરુણ મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં 13 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો. તેમાંથી 12 આરોપીઓ જામીન પર મુક્ત છે.
ચોથા માળે ગેરકાયદે બનાવેલા ડોમમાં કોચિંગ ક્લાસ ચાલતા હતા
સુરત સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડના ચોથા માળે ગેરકાયદે રીતે બનાવેલા ડોમમાં 24મી મે 2019ના રોજ સાંજે આગ લાગી હતી. થોડા સમયમાં આગે આખા ફ્લોરને લપેટમાં લઈ લેતા છથી વધુ વિદ્યાર્થીઓ ભડથું થઈ ગયા હતા અને કુલ 22 વિદ્યાર્થીઓ મોત થયા હતા. વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે ચોથા માળેથી છલાંગ લગાવી હતી.
આ દુર્ઘટનામાં તક્ષશિલા આર્કેડના બિલ્ડર, માલિકો, કોચિંગ ક્લાસના સંચાલક, સુરત મહાનગરપાલિકાના બે એક્ઝીક્યુટીવ અને એક ડેપ્યુટી એન્જિનિયર, મ્યુનિ.ના ફાયર ઓફિસરો અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર સહિત 13 લોકો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો હતો. આ ઘટનામાં 12 આરોપીઓ જામીનમુક્ત થયેલા છે. જો કે, ભોગ બનેલા વિદ્યાર્થીઓના વાલીઓ તરફે જયસુખ ગજેરાએ ન્યાય માટે કાનૂની લડત જારી રાખી છે.
આ પણ વાંચો: 4 ઘટના જેણે ગુજરાતીઓને હચમચાવી મૂક્યાં, પાણીથી આગ સુધીની તબાહીમાં સેંકડોના મોત