સુરત: સામાન્ય લોકોની સાથે સાથે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ગેરકાયદે દબાણની સમસ્યાથી ત્રસ્ત
- ગેરકાયદે દબાણ અને ટોયલેટ બ્લોકની વચ્ચે ચાલતી પાલિકાની વીર ભામાશા સ્કુલ
- કરંજની સરકારી સ્કૂલની આસપાસ પારાવાર ગેરકાયદે દબાણ અને ટેમ્પો ના પાર્કિંગ થી બાળકોની સલામતી સામે પ્રશ્ન
પ્રતિનિધિ દ્વારા સુરત રવિવાર
સુરત પાલિકા દ્વારા સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને સલામતી સાથે શિક્ષણ અપાતું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે તેની સામે કરંજની એક સરકારી સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સતત અકસ્માતનું જોખમ રહેલું છે. કરંજ વિસ્તારમાં આવેલી આ સ્કૂલ ની આસપાસ ગેરકાયદે દબાણનો ભરડો છે. આ ઉપરાંત સ્કૂલની નજીક જ ગેરકાયદે ટેમ્પોનું પાર્કિંગ થતું હોવાથી બાળકોને સતત અકસ્માતનું જોખમ રહેલું છે. આવી જોખમી સ્થિતિમાં બાળકો અભ્યાસ કરતા હોવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. આટલું જ નહીં પરંતુ સ્કૂલની દિવાલને અડીને ટોયલેટ બ્લોક બનાવ્યો હોવાથી બાળકોના આરોગ્ય સામે પણ ખતરો જોવા મળી રહ્યો છે.
સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં ધારાસભ્યોએ ગેરકાયદે દબાણના મુદ્દે પસ્તાળ પાડી હતી. સુરતમાં ગેરકાયદેસર દબાણને કારણે સામાન્ય લોકોની હાલાકી વધી રહી છે તેની સાથે પાલિકાની કામગીરી પર લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. જોકે હવે ઘેર કહી દે દબાણ કરનારાઓ અન્ય વિસ્તાર સાથે સ્કૂલ વિસ્તારને પણ છોડતા નથી તેવી વાત બહાર આવી છે.
સુરત પાલિકાના વરાછા ઝોનમાં કરંજ વિસ્તારમાં ગાયત્રી રોડ પર આવેલી સુરત મહાનગરપાલિકાની વીર ભામાશા સ્કૂલ ની આસપાસના દબાણ અને ટોયલેટ બ્લોક વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે શિક્ષકો માટે પણ માથાનો દુખાવો બની ગયા છે. સ્કૂલની દિવાલને અડીને જ ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે જેના કારણે ટોયલેટ બ્લોકમાંથી આવતી વાસ વિદ્યાર્થીઓને પરેશાન કરી રહી છે. આ ટોયલેટ બ્લોક દૂર કરવા માટે સ્થાનિક ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ પાલિકામાં પત્ર લખ્યો છે તેમ છતાં હજુ સુધી ટોયલેટ બ્લોક દૂર કરવામાં આવતો નથી જેના કારણે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
આટલું જ નહીં પરંતુ આ સ્કૂલે બાળકોને મૂકવા જવું હોય કે બાળકોએ સ્કૂલે જવું હોય તો અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કૂલની આસપાસ પારાવાર ગેરકાયદેસર દબાણ છે. આ ગેરકાયદેસર દબાણને પાર કરીને વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવા માટે જવું પડી રહ્યું છે. આટલું જ નહીં સ્કૂલની આસપાસ ટેમ્પો ચાલકો ગેરકાયદેસર પાર્કિંગ કરી રહ્યા છે. જેના કારણે સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને અકસ્માતનો ભય રહેલો છે. જેના કારણે અહીંની આ દબાણ દૂર કરવા માંગણી થઈ રહી છે