જળ શક્તિ મંત્રીનો મત વિસ્તાર જ તરસ્યો, પીવાના પાણી માટે મહિને ખર્ચવા પડે છે 15 લાખ રૂપિયા
કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રીના મત વિસ્તાર એવા ભાઠાના રહીશોનો સમાવેશ સુરત પાલિકામાં થયો હોવા છતાં છેલ્લા આઠ મહિનાથી પાણી મેળવવા માટે વલખા મારી રહ્યા છે. ભાઠા ગ્રીન સીટી તથા આસપાસના બિલ્ડીંગના 1600 જેટલા ફ્લેટમાં રહેતા લોકોએ દર મહિને પાણી માટે 15 લાખ રૂપિયાનું ચુકવણું કરવું પડતું હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યાં છે. સુરત પાલિકા, પાણી પુરવઠા બોર્ડ, સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય અને પાણી સમિતિ અધ્યક્ષ સહિત તમામને રજૂઆત બાદ પણ શૂન્ય રહેતા આજે સ્થાનિકોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સુરત પાલિકાના ભાઠા વિસ્તારમાં આવેલા ગ્રીન સીટી, ગ્રીન સીટી ગોલ્ડ સહિત અનેક એપાર્ટમેન્ટમાં 1600 જેટલા ફ્લેટ છે. આ વિસ્તાર પહેલા સુડા માં હતો ત્યારે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી સપ્લાય કરવામાં આવ્યું હતું. પરંતુ પાલિકામાં સમાવેશ કર્યા બાદ એ જ લાઈનમાં પાણી પુરવઠો પાલિકા દ્વારા આપવામા આવે છે.
છેલ્લા આઠ મહિનાથી આ લાઈનમાં ભંગાણ પડ્યું છે તેના કારણે પાણી ઓછું આવતું થયું છે. આઠ મહિનાથી આ વિસ્તારના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા ંછે. આ વિસ્તાર હવે સુરત પાલિકા માં આવતો હોવાથી સ્થાનિકોએ રાંદેર ઝોન અને સ્થાનિક કોર્પોરેટરને રજુઆત કરી હતી.
પરંતુ આ લાઈન ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા નાંખવામાં આવી હોવાથી રીપેરીંગ બોર્ડ દ્વારા કરવામાં આવશે તેવો જવાબ મળ્યો હતો. જેના કારણે સ્થાનિક પાણી પુરવઠા બોર્ડ પાસે ગયા હતા ત્યાં રજૂઆત કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તાર હવે સુરત પાલિકામાં આવે છે તેથી આ કામગીરી સુરત પાલિકાએ કરવાની રહેશે.
ત્યારબાદ ફરીથી સ્થાનિકો પાલિકાના રાંદેર ઝોન, હાઇડ્રોલિક વિભાગ અને કોર્પોરેટરો અને પાણી સમિતિ અધ્યક્ષ ને રજુઆત કરી હતી. જોકે, આ રજુઆત માત્ર કાગળ પર જ રહી હતી તેના કારણે આઠ મહિના બાદ પણ આ વિસ્તારના રહીશોને પાણી મળતું નથી.
આ વિસ્તારના ધારાસભ્યને રજૂઆત કરવામા આવી ત્યારે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને સાથે રાખીને સુચના આપવામા આવી હતી તેમ છતાં હજી પાણી પુરવઠા બોર્ડ અને પાલિકા બન્ને વચ્ચે ચાલતી ખો ખો ની રમત ના કારણે પાણી મળતું ન હોવાથી લોકોની ધીરજ ખૂટી ગઈ છે. આજે આ વિસ્તારના લોકો ભેગા થયાં હતા અને એક સાથે મળીને માટલા લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિકો કહે છે, અમે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ના મતદારો છીએ અને અમારે દર મહિને પાણી માટે 15 લાખ રૂપિયા ખર્ચવા પડે છે તે ક્યાંનો ન્યાય છે. પાલિકા અમારી પાસે વેરો વસૂલે છે તો પાણી આપવાની જવાબદારી પાલિકાની છે પરંતુ હજી ન્યાય મળતો ન હોવાથી અમારી હાલત કફોડી થઈ રહી છે.