સુરતમાં અનેક સ્થળે અસામાજિક તત્ત્વો દ્વારા ટી.પી. રસ્તા અને રિઝર્વેશનમાં શેડ પાલિકા દૂર કરશે
સુરત પાલિકાના અનેક અનામત પ્લોટમાં ગેરકાયદે દબાણ કરવા સાથે મોટી સંખ્યામાં ટેમ્પરરી સ્ટ્રકચર ઊભા કરવામાં આવ્યા છે તેવી ફરિયાદ થઈ હતી. પરંતુ પાલિકાએ જે અખબારી યાદી જાહેર કરી તેમાં જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ વિસ્તારની ટી.પી. સ્કીમ વિસ્તારમાં અનેક અસામાજિક તત્ત્વો દ્વારા રિઝર્વેશન પ્લોટમાં પતરાના ગેરકાયદે શેડ બનાવી દીધા છે તે દૂર કરવાની કામગીરી કરાશે.
સુરત પાલિકાના વરાછા એ ઝોન અને વરાછા બી ઝોન સાથે કતારગામ ઝોનમાં ટી.પી. સ્કીમ હેઠળ પાલિકાના અનામત જાહેર થયેલા પ્લોટમાં મોટી સંખ્યામાં ટેમ્પરરી સ્ટ્રકચર છે તે અંગેની અનેક ફરિયાદ છે પરંતુ પાલિકા તંત્ર કામગીરી કરતું નથી. જોકે, લોકોની આ ફરિયાદને પાલિકા તંત્રએ જ આજે સત્તાવાર સમર્થન આપી દીધું છે.
સુરત પાલિકાના વરાછા બી ઝોને ડિમોલિશનની કામગીરી સાથે એક અખબારી યાદી જાહેર કરી છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, આ ટી.પી. સ્કીમ હાલ સરકારમાં મંજૂર માટે સાદર કરવામા આવી છે તેની મંજૂરી બાકી છે પરંતુ ટી પી સ્કીમ નો નકશો જાહેર કરી દેવામા આવ્યો છે. પરંતુ આ વિસ્તારમાં . અસામાજિક તત્ત્વો દ્વારા ટી.પી. રસ્તા અને રિઝર્વેશનમાં આવા પ્રકારના શેડ બનાવવાની પ્રવૃત્તિ મોટા પાયે શરૂ કરવામાં આવી છે.
આવી પ્રવૃત્તિના કારણે ભવિષ્યમાં ટી.પી.સ્કીમના અમલીકરણ દરમિયાન ટી.પી.રસ્તા, રિઝર્વેશન ના કબ્જા ન મળવાના કારણે જનતાને સુવિધા પૂરી પાડવામાં અતિશય તકલીફ પડે તેમ છે . આજની આ કાર્યવાહી દ્વારા સમગ્ર વિસ્તારમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિ હાથ ધરતા તત્ત્વોને પરોક્ષ રીતે સંદેશો પહોંચાડવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આ અભિયાન ચાલુ રહેશે. આવું કહીને પાલિકાના અનામત પ્લોટ માં અનેક ગેરકાયદે બાંધકામ છે તેવું ખુદ પાલિકા તંત્ર કબૂલી રહ્યું છે.
આ ઉપરાંત સુરત પાલિકાના વરાછા બી ઝોન માં ટી.પી.સ્કીમ નં. 92 (સીમાડા-કોસમાડા), ના બ્લોક નં. 110, 111/એ, ફા.પ્લોટ નં. 43/બી, 45, 44, 135, 137, સીમાડા વાળી મિલકત પાલિકાનો અનામત પ્લોટ છે આ અનામત પ્લોટ માં લાંબા સમયથી ચાર ગેરકાયદે મોટા ટેમ્પરરી સ્ટ્રકચર બનાવી દેવામાં આવ્યા હતા. આજે વરાછા બી ઝોન દ્વારા ટેમ્પરરી સ્ટાર દૂર કરીને 1675 ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય આઠ જેટલા ટેમ્પરરી સ્ટ્રકચર મળી આવ્યા છે તેઓના ડિમોલિશનની કામગીરી થાય તે પહેલાં ગેરકાયદે બાંધકામ કરનારા મિલકતદારો દ્વારા સ્વૈચ્છિક ડિમોલિશન ખાત્રી આપી છે અને દૂર કરવાની કામગીરી પણ શરુ કરી દીધી છે.