આપના કોર્પોરેટર સામે કોન્ટ્રાક્ટરનો ગંભીર આક્ષેપ: શાંતિથી ધંધો કરવો હોય તો મહિને 25 હજાર આપવા પડશે
સુરત પાલિકાના પે એન્ડ પાર્કમાં ગેરરીતિ થતી હોવાની વિપક્ષી કોર્પોરેટરની ગંભીર ફરિયાદ બાદ આજે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરનારા વિપક્ષી કોર્પોરેટર સામે પૈસા માંગ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે પાલિકાના અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી કોર્પોરેટર દ્વારા ધંધો કરવો હોય તો દર મહિને 25 હજાર રૂપિયા આપવા પડશે તેવો આક્ષેપ કર્યો છે. આવા પ્રકારના આક્ષેપ બાદ રાજકારણ ગરમાયું છે અને હવે ગેરરીતિની ફરિયાદ કરનારા વિપક્ષી કોર્પોરેટર સાચા કે પૈસા માંગતા હોવાનો આક્ષેપ કરનારા પાલિકાના કોન્ટ્રાક્ટર સાચા તે અંગે અનેક ચર્ચા શરુ થઈ ગઈ છે.
સુરત પાલિકાના વિપક્ષી કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ સેન્ટ્રલ ઝોનમાં રંગ ઉપવન માં ચાલતા પે એન્ડ પાર્કમાં ગયા હતા અને ત્યાં ગેરરીતિ થાય છે અને ગેરકાયદે ઉઘરાણા થાય છે તેવી ફરિયાદ કરી હતી. તેઓએ ફરિયાદ કરી હતી કે 10 રૂપિયાના પાર્કિંગના 20 રૂપિયા લોકો પાસે વસુલવામાં આવે છે. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, ભ્રષ્ટ ભાજપ સરકાર ના રાજ માં દરેક જગ્યાએ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ની દુકાનો ખુલી છે, એમના મળતીયાઓ લુંટવા બેઠા છે. ભાજપના નેતાઓ મલાઈ લઈને પોતાના મળતીયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને લોકોને લૂંટવાની ખુલ્લેઆમ છૂટ આપે છે. અનેક ફરિયાદ છતાં આજદિન સુધી સુરત મહાનગર પાલિકા ના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ ફરિયાદ કરી તેના બીજા જ દિવસે સેન્ટ્રલ ઝોનના રંગ ઉપવન ખાતેના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર ડી.એલ. ઈન્ફાસ્ટ્રકચર દ્વારા સેન્ટ્રલ ઝોનના આસી. કમિશ્નરને લેખિત માં એક ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં કોન્ટ્રાક્ટરે આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયા અને તેના મળિતયા ઋષિ નાકોડા દ્વારા પે એન્ડ પાર્કમાં ખોટા આક્ષેપ કરીને ખોટી રીતે હેરાન કરી રહ્યાની ફરિયાદ કરી છે. તેઓએ લેખિતમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે, આ લોકો અવારનવાર તેમને ધમકી આપીને હેરાન કરવા સાથે પાલિકામાં ફરિયાદ કરીને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરે છે. આ અંગેનું વોટ્સએપ ચેટ તેમની પાસે છે.
આ ઉપરાંત લેખિતમાં ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, આપ ના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ પે એન્ડ પાર્ક નો ધંધો શાંતિથી તમારે કરવો હોય તો દર મહિને 25,000 રૂપિયા આપવા પડશે તો તમને હેરાન નહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ અમારા માણસોએ ના પાડતા તેમના ગ્રૂપના 15-20 માણસો આવીને અમારી પાસે 12 કલાકની 20 રુપિયાના નિયમની 15થી 20 સ્લીપ બનાવી અને પછી પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે વિડિયો બનાવવાનું શરુ કર્યું હતું.
સુરત પાલિકામાં પહેલી વાર કોઈ કોન્ટ્રાક્ટરે લેખિતમા કોર્પોરેટર પર લેખિતમાં ગંભીર આક્ષેપ કર્યા છે. તેના કારણે રાજકારણ ગરમાયું છે અને તેના કારણે હવે પાલિકામા એક જ ચચા થઈ રહી છે કે, વિપક્ષના કોર્પોરેટર સાચા કે પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ સાચા ? હવે આ મુદ્દે આગામી દિવસોમાં આ વિવાદ મોટો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.