સુરતની સચિન GIDCમાં લિફ્ટ તૂટતાં બે કામદારોના મોત, માલસામાન ચઢાવતા દુર્ઘટના બની
કોમર્શિલય લિફ્ટમાં માલસામાન ચઢવતી વખતે ધર્મેશ્વર બેઠા અને સંદીપ ચૌહાણ નામના કામદારોના મોત
સુરતઃ સચીન જીઆઈડીસી વિસ્તારમાં છાસવારે દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સચિન જીઆઈડીસીમાં કોમર્શિયલ લિફ્ટ તૂટી પડતાં બે કામદારોના મોત નીપજ્યાં હતાં. માલ સામાન ચઢાવતી વખતે સર્જાયેલી દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા હતાં. જેથી મૃતકના સ્વજનો અને સંબંધીઓ શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં. પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાક્રમ
સચીન જીઆઈડીસીમાં આવેલી ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગમાં લિફ્ટ માં સામાન લઈ જતી વખતે ત્રીજા માળેથી લિફ્ટ ધરાશાયી થતાં ત્રણ કામદારોને ગંભીર ઈજા થઈ હતી. જેમાં બે કામદારોનું મોત થયું હતું અને એક કામદારને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચિન જીઆઈડીસીમાં પાલી ગામમાં વિષ્ણુ નગરમાં રહેતા 48 વર્ષીય ધર્મેશ્વર બૈઠા તથા વર્ષીય સંદીપકુમાર રામકુમાર ચૌહાણ અને 21 વર્ષીય વિક્રમ સોમવારે રાત્રે સચીન જીઆઈડીસી ખાતે મધુનંદન ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. નામક ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ યુનિટમાં કામ કરતા હતા. તે સમયે ત્રણે ગુડ્સ લિફ્ટમાં ગ્રેના તાકા લઈને ત્રીજા માળે જતા હતા. ત્યારે ત્રીજા માળેથી અચાનક લિફ્ટ આકસ્મિત રીતે તૂટીને નીચે પડી હતી. જેથી ગ્રેના તાકા સાથે ત્રણેય કામદારો પણ ધડાકાભેર નીચે પટકાયા હતા. જેના પગલે ધડાકાભેર અવાજ આવતાં ત્યાં કામ કરી રહેલા અન્ય કામદારો સહિતના લોકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને ભાગદોડ થઈ જવા પામી હતી. ગંભીર ઈજા પામેલા ત્રણેય કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે ધર્મેશ્વર બૈઠા અને સંદિપકુમારને મૃત જાહેર કર્યા હતા. જ્યારે વિક્રમ ચૌહાણને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે સચિન જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી
સચિન જીઆઇડીસીમાં આવેલી મધુનંદન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. ધર્મેશ્વર બૈઠા અને સંદીપ ચૌહાણ નામના કામદારોના મોત થયાં હતાં. કંપનીની અંદર કોમર્શિયલ લિફ્ટમાં માલ સામાન ચઢાવતી વખતે બનેલી ઘટનામાં મોત નીપજ્યાં હતાં. બંને કામદારોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. હાલ સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. કામદારોના મોતને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.