સુરત: વરાછાના અનેક વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટનો જાહેરમાં નિકાલ,અનેક જગ્યાએ કચરાના ઢગ
સુરત મ્યુનિ.સ્વચ્છતા માટે ઘણી કામગીરી કરી રહી છે પરંતુ શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો સફાઈ પછી પણ કચરાના ઢગ કરી જાય છે.સુરતના પુમા- વરાછાના અનેક વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં લોકો જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવી સુરતને નંબર વન બનાવવા માટે વિલન બની રહ્યાં છે. કચરો ફેંકનાર સામે કોઈ દંડનીય કાર્યવાહી થતી ન હોવાથી સુરત ના અનેક વિસ્તારમાં ફરીથી ગંદકી જોવા મળી રહી છે. સુરત પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી નંબર વન બનવા માટે કવાયત કરી રહી છે પરંતુ આવા લોકોને કારણે સુરત સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ રહી શકે છે.
સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અગ્રેસર દોડી રહી છે પરંતુ કેટલાક સુરતીઓ જ આ સ્પર્ધામાં સુરત શહેરને પાછળ રાખવાનું કામ કરી રહ્યાં છે. સુરત મ્યુનિ.એ શહેરને કન્ટેનર ફ્રી સીટી બનાવવા માટે અચાનક જ નિર્ણય કરીને કન્ટેનર બંધ કરી દીધા હતા. કન્ટેનર બંધ કરાયા બાદ સુરત શહેરમાં હજી પણ અેવા સ્પોટ છે જ્યાં કેન્ટેરમાં કચરો નાંખવા ટેવાયેલા લોકો કન્ટેનર ન હોવા છતાં જાહેર રસ્તા પર કચરો નાખીને ગંદકી ફેલાવી રહ્યાં છે.
સુરત મ્યુનિ. વિસ્તારમાં કેટલાક જગ્યાએ ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ છે ત્યાં ગંદકી દુર કરવા માટે પાલિકાએ અહીં ગંદકી કરવામા આવે તો પાલિકા 500 રૂપિયાનો દંડ વસુલ કરશે તેવા બોર્ડ લગાવ્યા છે. આ બોર્ડ લગાવ્યા બાદ પાલિકા ગંદકી કરનારાઓ સામે કોઈ પગલાં ભરતી નથી કે કોઈ દંડ વસુલ કરતી નથી. જેના કારણે લોકો બેખોફ બનીને જાહેર જગ્યાએ કચરાના ઢગ કરી રહ્યાં છે. પાલિકાએ ન્યુસન્સ વાળા વિસ્તારમાં બોર્ડ લગાવ્યા છે તેની નીચે જ કચરો ફેંકી રહ્યાં છે.
હાલમાં સુરત પાલિકાના વરાછા ઝોનમાં પુમા વિસ્તારમાં અનેક ધંધાકીય એકમો દ્વારા જાહેરમાં પ્લાસ્ટિકનો કચરો ફેંકી રહ્યાં છે. પાલિકાએ અનેક જગ્યાએ સીસી કેમેરા લગાવ્યા હોવા છતાં જાહેરમા આવી રીતે કચરો ફેંકનારા સામે કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાથી ગંદકી કરવા માટે લોકોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. અને દેશમાં સ્વચ્છતા માટે નંબર વન બનેલા સુરત શહેરમાં હવે લોકો જાહેરમાં કચરો ફેંકી સુરતના નંબર વન માટે વિલન બની રહ્યાં છે. તેથી આવા લોકો સામે આકરા પગલાં ભરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે.