સુરતમાં ભાન ભુલ્યું ભાજપ : એક બાજુ પોલીસની હેલ્મેટ ડ્રાઈવ અને બીજી બાજુ નેતા-કાર્યકરોની ગાડીઓનો રોડ પર ખડકલો જોઈ જનતામાં રોષ
Surat Police Helmet Drive : સુરત પોલીસ છેલ્લા કેટલાક દિવસથી હેલ્મેટના કાયદાનો કડકાઈથી અમલ કરાવી રહી છે. સુરત પોલીસ હેલ્મેટ ન હોય તેવા લોકો પાસે આકરો દંડ વસૂલી રહી છે. પરંતુ સુરત પોલીસ ટ્રાફિકના નિયમોનો અમલ માત્ર પ્રજા સામે વાઘ બની જાય છે. જ્યારે નેતાઓ સામે બિલાડી બની જાય છે. આવા દ્રશ્યો ગઈકાલ મંગળવારે સાંજે ભાજપ કાર્યાલય બહાર સર્જાતા લોકો પાસે ટ્રાફિક કાયદાનો કડકાઈથી અમલ કરનાવાનારા પોલીસ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પેટા ચૂંટણીના પરિણામ બાદ ભાજપ કાર્યાલય બહાર સાયકલ ટ્રેક અને રોડ પર જ ભાજપના નેતા-કાર્યકરોએ પોતાના વાહનો પાર્ક કરી દીધા. આ દ્રષ્યો જોઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
સુરત સહિત ગુજરાતમાં હેલ્મેટના કાયદાનું પાલન કડકાઈથી કરવામાં આવી રહ્યું છે પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન પોલીસ માત્ર પ્રજા સામે જ કરી રહી છે તેવા આક્ષેપ થઈ રહ્યો છે. લોકોના આક્ષેપનો પુરાવો પાલિકાની પેટા ચૂંટણીના પરિણામ બાદ મંગળવારે સાંજે ભાજપ કાર્યાલય પર લોકોને મળી ગયો હતો. પેટા ચૂંટણીમાં ભાજપના વિજય બાદ વિજયોત્સવ માટે ભાજપના નેતાઓ અને કાર્યકરો ભેગા થયા હતા. ભાજપની જીત બાદ ભાજપના નેતા અને કાર્યકરોએ પોલીસ અને પાલિકાના જ નિયમનો છડેચોક ભંગ કરીને મોટો વિવાદ ઉભો કર્યો છે.
ભાજપના નેતા અને કાયકરોએ પોલીસ અને પાલિકાના જ નિયમોના ધજીયા ઉડાવીને પોતાના વાહન રોડ પર જ પાર્ક કરી લીધા હતા. ભાજપ કાર્યાલય બહાર પાલિકાએ સાયકલ ટ્રેક બનાવ્યો છે પરંતુ આ ટ્રેક પર ગઈ કાલે આખો દિવસ ભાજપ કાર્યકરોએ નેતાઓના મહાન પાર્ક કરેલા જોવા મળ્યા હતા. પોલીસ આ વાહનને લોક ન કરે તે માટે ભાજપના હોદ્દેદારોના બોર્ડ અને ખેસ અનેક ગાડીમાં જોવા મળ્યા હતા. ભાજપના કાર્યકરો અને નેતાઓ છડેચોક નિયમોનો ભંગ કરી ટ્રાફિક સમસ્યા ઉભી કરતા હતા. તો બીજી તરફ સુરતમાં પોલીસ હેલ્મેટ વિનાના વાહન ચાલકોને દંડ રહી હતી. જેના કારણે ટ્રાફિકના નિયમ પાલન કરવામાં પ્રજા અને નેતાઓ માટે પોલીસના બેવડા ધોરણ પણ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.
ભાજપ કાર્યાલય બહાર રસ્તા પર નેતાઓ અને કાર્યકરોના વાહનોને આડેધડ પાર્ક કરેલા જોઈ લોકોનો આક્રોશ પોલીસ સામે વધી રહ્યો છે. લોકો આક્ષેપ કરી રહ્યાં છે કે, જો કોઈ સામાન્ય વ્યક્તિ હોસ્પિટલમાં કે અન્ય જગ્યાએ જાય અને માત્ર પાંચ દસ મિનિટ પોતાના વાહનો રોડના કોર્નર પર પાર્ક કરે તો સુરતની ટ્રાફિક પોલીસ ઝડપથી આવીને વાહનો લોક કરી દે છે અને ટુ-વ્હીલર હોય તો ઊંચકી જાય છે. નિયમનો ભંગ કરનારા પાસે પોલીસ આકરો દંડ પણ વસૂલ કરે છે. પરંતુ ભાજપ કાર્યાલય બહાર જાહેર રોડ પર અને સાયકલ ટ્રેક પર વાહન પાર્ક હોવા છતાં પોલીસે નજર સુદ્ધા દોડાવી ન હતી. જેના કારણે સુરત પોલીસ ટ્રાફિક નિયમના પાલન માટે નેતાઓ માટે અલગ અને પ્રજા માટે અલગ માપદંડ રાખી રહી છે તેવો આક્રોશ લોકોમાં જોવા મળતો હતો.