સુરત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી : બેટી બચાવો, સ્વચ્છતા લાવો, પોક્સો એક્ટના બેનર સાથે નીકળી રેલી
Surat Republic Day Celebration : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન દેશ ભક્તિ સાથે સાથે આધ્યાત્મિક અને લોકજાગૃતિ માટેના અનેક પ્રયાસ કરવામા આવ્યા હતા. પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ તિરંગો લહેરાવવા સાથે સાથે બેટી બચાવો, સ્વચ્છતા લાવો, સાયબર ક્રાઇમ, પોક્સો એક્ટ વગેરેના બેનર લઈને રેલી કાઢી હતી. જ્યારે આ ઉજવણીમાં હાલ પ્રયાગરાજમાં ચાલી રહેલો મહાકુંભ પણ છવાયો હતો. ઉત્રાણ શાળાના વિદ્યાર્થીઓએ કુંભમેળાની વાત લોકો સુધી નાટક સ્વરૂપે રજૂ કરી હતી. જેમાં શાળાના 64 થી વધુ વિદ્યાથીઓએ ભાગ લીધો હતો.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 366 માં 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશ ભક્તિના ગીતો સાથે પ્રભાતફેરી કરવા સાથે સાથે બાળકો હાથમાં તિરંગો લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે બેટી બચાવો, સ્વચ્છતા લાવો, સાયબર ક્રાઇમ, પોક્સો એક્ટ વગેરેના બેનર લઈને રેલીમાં જોડાયા હતા શાળા ક્રમાંક 366 ની ભૂતપૂર્વ વિદ્યાર્થીની દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા ક્રમાંક 369 ના વિધાર્થીઓ દ્વારા રેઇન હાર્વેસ્ટિંગ કૃતિ અને શાળા ક્રમાંક 366 ના વિધાર્થીઓ દ્વારા યોગ કૃતિ અને દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે શાળા ક્રમાંક 365 ના વિદ્યાર્થીઓ દ્વારા સાયબર ક્રાઇમ આધારિત કૃતિ રજૂ કરવામાં આવી હતી. વિજ્ઞાન મેળામાં જિલ્લા કક્ષાએ સારું પ્રદર્શન કરવા બદલ શાળા ક્રમાંક 4 ના શિક્ષિકા બહેન અને વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન ઈનામ આપીને સન્માન કરાયું હતું.
ગઈકાલે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ઉત્રાણ શાળામાં દેશભક્તિ સાથે સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા, ક્રમાંક-334 દ્વારા મહાકુંભ કથાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. શંકરાચાર્યએ સનાતન સંસ્કૃતિ સંરક્ષણ અને સંવર્ધન માટે કરેલ પ્રયત્નોની ઝાંખી, ચારેય મઠની સ્થાપના તેમજ મઠો દ્વારા સનાતન સંસ્કૃતિનો ફેલાવો કઈ રીતે થયો. તેમજ મહાકુંભમાં જેનું વિશેષ યોગદાન છે એવા અખાડાની અસ્મિતા અને એની પૂર્વભૂમિકા તેમજ દેવતા અને દાનવ દ્વારા થયેલ સમુદ્રમંથનની ઘટના વિશેષ છંદ દ્વારા રજૂ કરવામાં આવી, સમુદ્ર મંથન દ્વારા મળેલ અમૃત અને તેને લીધે શરૂ થયેલ કુંભમેળાની વાત લોકો સુધી નાટક સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. આ કૃતિમાં 64 જેટલા બાળકોએ ભાગ લીધો. ગીતની રચના થી લઈ તમામ વેશભૂષા પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવવામાં આવી હતી.