VIDEO : 31stની ઉજવણી ટાણે સુરત પોલીસનો સપાટો, 400થી વધુ દારૂડિયાને પકડ્યા, રાખવા માટે જગ્યા નાની પડી
Surat Police On 31st Celebration : 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ-સુરત સહિત ગુજરાત પોલીસે રાજ્યનો મોટા શહેરોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. નવા વર્ષની ઉજવણીમાં અનેક લોકો દારુની મહેફિલ માણતા પકડાય છે, ત્યારે સુરતમાં દારૂનો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ આ દરમિયાન 30 ડિસેમ્બરની સાંજથી આજે મંગળવાર સુધી 400થી વધુ દારૂના નશામાં ફરતા શખસોને ઝડપી લેવામાં આવ્યા છે.
બે દિવસમાં 400થી વધુ નશેડીઓ ઝડપાયા
થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખીને સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. જેમાં શહેરમાં દારૂનો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન સુરતની ઝોન-4 પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી. જેમાં 30 ડિસેમ્બરની સાંજથી આજે મંગળવારની સવાર સુધીમાં શહેરના 5 મુખ્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી 250થી વધુ દારૂના નશામાં ફરતા શખસોને ઝડપી લેવામાં આવ્યા. આ તમામને અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી બસમાં ભરીને પોલીસ પરેડ ગ્રાઉન્ડ લઈ જવાયા હતા.
શહેરમાં 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી ધ્યાનમાં રાખીને પોલીસનું સઘન ચેકિંગ શરૂ છે, ત્યારે શહેર પોલીસે 30 ડિસેમ્બરની સાંજથી અત્યાર સુધી એટલે કે બે દિવસમાં 400થી વધુ શખસોને દારુના નશામાં ઝડપી પાડ્યા છે. નશાની હાલતમાં ઝડપાયેલા શખસોને મેડિકલ ચેકઅપ નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા.
આ પણ વાંચો: 'અમારી આ ઑફરનો લાભ ન લેવા વિનંતી', 31st પર ગુજરાત પોલીસની ખાસ સૂચના
જોઈન્ટ પોલીસ કમિશનર કે. એન. ડામોરે જણાવ્યું કે, 'છેલ્લા એક અઠવાડિયામાં 56 બુટલેગર સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલશે. જેમાં મશીન દ્વારા નશેડીઓની ચકાસણી કરાશે અને બુટલેગરો સામે કડક પગલા લેવામાં આવશે.'