બામણગામનો ખેડૂત સુરત ગયો ન હોવા છતાં પોલીસનો મેમો મળ્યો
મેમાના ફોટામાં જીજે ૦૫ની નંબર પ્લેટ પરંતુ લખાણમાં જીજે ૦૬નો ઉલ્લેખ કરી મેમો ફટકાર્યો
વડોદરા, તા.22 વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બામણગામમાં રહેતો ખેડૂત પોતાની બાઇક લઇને ક્યારેય સુરત ગયો ન હોવા છતાં તેના નામે સુરત પોલીસનું હેલ્મેટ નહી પહેરવાનો મેમો આવતા તે ચોંકી ગયો છે.
બામણગામમાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા ૩૭ વર્ષના ચૌહાણ રાઘવસિંહ જશવંતસિંહ તા.૧૭ના રોજ બપોરના સમયે ઘેર હતો ત્યારે તેના મોબાઇલ પર એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો જેમાં મેમાનો ઉલ્લેખ હતો બાદમાં તેને તપાસ કરતાં આ મેસેજ સિટિ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ, સુરત પોલીસનો હતો.
સુરત પોલીસના આ મેમામાં એક સ્પેન્ડર બાઇકનો ફોટો અને ચાલકે હેલ્મેટ પહેર્યું નહી હોવાથી તે માટે રૃા.૫૦૦નો દંડ કર્યો હોવાનો ઉલ્લેખ હતો. સુરત પોલીસના મેમામાં દર્શાવેલ વાહનના ફોટામાં નંબર પ્લેટ સ્પષ્ટ રીતે જીજે ૦૫ જણાતું હતું પરંતુ નંબર લખવાની ભૂલના કારણે જીજે ૦૫ના બદલે જીજે ૦૬ લખાયું હતું અને મેમો સુરતના વાહનચાલકના બદલે બામણગામના ચાલકને ઇસ્યૂ કરી દેવાયો હતો. આ અંગે રાધવસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે મેં નવી બાઇક છ માસ પહેલાં જ લીધી છે અને તેને લઇને વડોદરા જિલ્લાની બહાર કદી ગયો નથી અને સુરત પોલીસનો મને મેમો આવ્યો છે.