સુરતની સુંદરતાને પાન માવા અને ગુટકાની પિચકારીનું ગ્રહણ
- પાલિકા બ્રિજના સુશોભન કરી રહી છે તો બીજી તરફ લોકો પિચકારી મારી રહ્યા છે
- અડાજણ ફ્લાયઓવર બ્રિજના બ્યુટિફિકેશન માટે પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે પણ પેઈન્ટીંગ હજુ પુરુ થાય તે પહેલાં જ માવા- ગુટખાની પિચકારીથી દિવાલ બગડી રહી છે
પ્રતિનિધિ દ્વારા, સુરત, રવિવાર
સુરત શહેરમાં દિવાળી પહેલા સુરત પાલિકા શહેરની સુંદરતા વધારવા માટે શહેરના અનેક ફ્લાયઓવર બ્રિજ ની દિવાલ પર પેઈન્ટીંગ કરી રહી છે. ફ્લાય ઓવર બ્રિજ પર એક તરફ વિવિધ કલરોથી પેઈન્ટીંગ થઈ રહી છે તે પુરી થાય તે પહેલા જ કેટલાક સુરતીઓ પાન-માવા અને ગુટખા ની પિચકારી આ પેઈન્ટીંગ પર મારી અને દિવાલને ગંદી કરી રહ્યાં છે. કેટલાક સુરતીઓના કારણે તમામ સુરતીઓના પરસેવાની કમાણીના વેરામાંથી થતી પેઈન્ટીંગ બગડી રહી છે
સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં સફાઈ ઝુંબેશ સાથે સાથે શહેરની સુંદરતાાં વધારો કરવા બ્યુટીફીકેશનની કામગીરી કરી રહી છે. સિટીબ્યુટિફિકેશન હેઠળ શહેરની સુંદરતામાં વધારો થાય તે માટેના તમામ પ્રયાસ પાલિકાના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે પાર્લે પોઇન્ટ ફલાય ઓવરબ્રિજ પર ફલાવર પોટ લગાડયા બાદ ઉધના ચાર રસ્તા પરના ફલાય ઓવરબ્રિજના ઉપરના ભાગે ડિવાઇડરને ઝીબ્રા કલર કરવાને બદલે રંગબેરંગી કલરથી સુશોભન કરાયા છે. આ ઉપરાંત હાલમાં અડાજણ ગુજરાત ગેસ સર્કલ ખાતે બનેલા ફ્લોય ઓવર બ્રિજની બન્ને તરફની દિવાલો પર આકર્ષક પેઈન્ટીંગ કરી રહી છે. જેના કારણે શહેરની સુંદરતામાં વધારો થઈ રહ્યો છે.
સુરત શહેરની સુંદરતા વધારવા માટે પાલિકા દ્વારા અનેક પ્રયાસ કરવાઆવે છે. પરંતુ શહેરની સુંદરતામાં કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો વિલન બની રહ્યાં છે. સુરતની સુંદરતાને બગાડવા પાન-માવા, ગુટખા ખાઈને ચાલુ વાહને પિચકારી મારતા લોકો વિલન બની રહ્યાંછે. સુરત પાલિકા અડાજણમાં ફ્લાય ઓવર બ્રિજ પર આકર્ષક કલરોથી પેઈન્ટીંગ બનાવી રહી છે પરંતુ પાન માવા ખાઈને વાહન ચલાવતા લોકો તેના પર પીચકારી મારી ને પેઈન્ટિંગ ગંદા કરી રહ્યાં છે. હજી તો આ બ્રિજ પર પેઈન્ટીંગની કામગીરી ચાલી રહી છે ત્યારે લોકો ગુટકા-માવાની પિચકારી મારતા હોવાથી દિવાલ ગંદી થતાં અનેક લોકો આવા લોકો સામે રોષ પ્રગટ કરી રહ્યાં છે. આ ઉપરાંત પાન- માવા ગુટખા ખાઈને લોકો પ્લાસ્ટીકના કાગળ જાહેર રોડ પર જ ફેંકી દેતા હોય છે. આ પ્લાસ્ટીક ઘણી વાર પાલિકાના ડ્રેનેજમાં ફસાઈ જતાં ડ્રેનેજ ચોક અપ થવાના પણ બનાવ બની રહ્યાં છે.