Get The App

પાલિકાની સફાઈ ઝુંબેશ સામે કેટલાક લોકો વધેલો ખોરાક શાકભાજી ફૂટપાથ અને જાહેર રસ્તા પર ઠાલવી ગંદકી ફેલાવે છે

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
પાલિકાની સફાઈ ઝુંબેશ સામે કેટલાક લોકો વધેલો ખોરાક શાકભાજી ફૂટપાથ અને જાહેર રસ્તા પર ઠાલવી ગંદકી ફેલાવે છે 1 - image


- જીવદયા પ્રેમી જીવદયા સુરતીઓ શહેરની સ્વચ્છતા માટે  બની રહ્યાં છે વિલન 

- પાલિકા સીસી કેમેરા નો ઉપયોગ કરીને ગંદકી અટકાવવા નો દાવો કરે છે. પરંતુ જીવદયા ના નામે જાહેર રોડ પર ફેકાતો એઠવાડ અને કચરો અટકાવવા માટે આકરા પગલાં ભરતી નથી 

સુરત, તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર 

સ્વચ્છ સુરત શહેરની દોડમાં અગ્રેસર રહેવા માટે સુરત પાલિકા અને શાસકો શહેરમાં સફાઈ અભિયાન કરી રહ્યાં છે. શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા લોકોને સમજાવવા સાથે સાથે ગંદકી કરી ન્યુસન્સ કરનારાઓને નાથવા માટે સીસી કેમેરા નો ઉપયોગ કરી રહી છે.   પરંતુ પાલિકાના સફાઈ અભિયાન અને લોકોની સમજાવટ સામે કેટલાક લોકોની જીવદયા ભારે પડી રહી છે. કેટલાક જીવદયા પ્રેમીની જીવ દયા શહેરમાં ગંદકી ફેલાવવા સાથે લોકોના આરોગ્ય માટે જોખમ ઊભું કરી રહી છે. કેટલાક લોકો ઘરમાં વધેલો ખોરાક કે બગડેલી રોટલી સાથે શાકભાજી ફૂટપાથ કે ડ્રેનેજના ઢાંકણ પર નાખી ને ગંદકી ફેલાવી રહ્યા છે. આ પ્રકારનું ન્યુસન્સ દરેક ઝોનમાં છે  પરંતુ પાલિકાના સીસી કેમેરા, અધિકારીઓ કે ચુંટાયેલા પ્રતિનિધિઓ આ પ્રકારનું ન્યુસન્સ દૂર કરવામાં વામણા સાબિત થઈ રહ્યાં છે. 

પાલિકાની સફાઈ ઝુંબેશ સામે કેટલાક લોકો વધેલો ખોરાક શાકભાજી ફૂટપાથ અને જાહેર રસ્તા પર ઠાલવી ગંદકી ફેલાવે છે 2 - image

 છેલ્લા કેટલાક વખતથી સ્વચ્છ ભારત અભિયાન સ્પર્ધામાં સુરત મહાનગરપાલિકા સતત ટોપ ફાઈવ માં આવી રહી છે. આ સફળતા માટે સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદાર થી માંડીને મ્યુનિસિપલ કમિશનર સહિતના નો મોટો ફાળો છે. આ ઉપરાંત શહેર ને સ્વચ્છ બનાવવા મોટાભાગના સુરતીઓ પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. મોટાભાગના સુરતીઓ શહેરને સ્વચ્છ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ કેટલાક સુરતીઓ જીવ દયા અને પ્રાણી પ્રેમ ના નામે શહેરમાં પારાવાર ગંદકી ફેલાવી રહ્યા છે.

પાલિકાની સફાઈ ઝુંબેશ સામે કેટલાક લોકો વધેલો ખોરાક શાકભાજી ફૂટપાથ અને જાહેર રસ્તા પર ઠાલવી ગંદકી ફેલાવે છે 3 - image

સુરત શહેરની સફાઈ માટે પાલિકાના કર્મચારીઓ દિવસ ઉપરાંત રાત્રે પણ કામગીરી કરીને શહેરને સ્વચ્છ કરે છે. તો બીજી તરફ કેટલાક સુરતીઓ પોતાના ઘરમાં વધેલો ખોરાકએ અને બગડેલા શાકભાજી ઢગલો પોતાના ઘર નજીક ની ફૂટપાટ કે ઢાંકણ પર અથવા જાહેર રોડ પર ઠાલવી ગંદકી  કરી રહ્યા છે. આ કચરા સાથે પ્લાસ્ટિકની થેલીઓ પણ હોય છે અને કચરો પ્રાણીઓ આરોગે  છે ત્યારે તેમના પેટમાં જાય છે જેના કારણે પ્રાણીઓ પર જોખમ છે. તો બીજી તરફ આવો એઠવાડ જાહેરમાં ફેંકવાનો હોવાથી ગંદકી ફેલાતા આસપાસના લોકોના આરોગ્ય સામે પણ મોટો ખતરો ઉભો થયો છે.

સુરત મહાનગરપાલિકા સીસી કેમેરા નો ઉપયોગ કરીને ગંદકી અટકાવવા નો દાવો કરે છે. પરંતુ જીવદયા ના નામે જાહેર રોડ પર ફેકાતો એઠવાડ અને કચરો અટકાવવા માટે આકરા પગલાં ભરતી નથી જેના કારણે આ ન્યુસન્સ દિવસે ને દિવસે વધી રહ્યું છે. કેટલીક જગ્યાએ તો પાલિકાના સફાઈ કર્મચારી સફાઈ કરીને જાય અને તેની થોડી જ મિનિટોમાં આવા પ્રકારનો કચરો લોકો જાહેરમાં ફેંકી શહેરની સુંદરતામાં ઘટાડો કરી રહ્યા છે. કેટલાક લોકો આવી રીતે ગંદકી ફેલાવી રહ્યા છે તેને જો અટકાવવામાં નહીં આવે તો સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મહાનગરપાલિકા નો ક્રમ પાછળ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી તો બીજી તરફ સુરત પાલિકા પાસે સંખ્યાબંધ સીસી કમેરા હોવા છતાં આવા લોકોને પકડી દંડ કરવાની હિંમત કરી શકતી ન હોવાથી દિવસેને દિવસે  જાહેર રસ્તા પર થતી ગંદકીઓ અટકી શકતી નથી.


Google NewsGoogle News