રવિવારે સુરતીઓએ ડુમસમાં અઢીસો કિલો કચરો ફેંક્યો જેમાં 25 કિલો પ્લાસ્ટિક નિકળ્યું
સુરતનું એક માત્ર હરવા ફરવાનું સ્થળ ડુમસ વીક એન્ડમાં સુરતીઓથી ઉભરાઈ રહ્યા છે. આ જગ્યાએ અનેક કચરાપેટી હોવા છતાં સુરતીઓ ડુમસ બીચ પર કચરો ફેંકી બીચની સુંદરતા બગાડવા સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે. દરિયા કિનારે પ્લાસ્ટિક નો ઉપયોગ કરીને પ્લાસ્ટિક ખુલ્લામાં ફેકી દેતા હોવાથી દરિયામાં પ્લાસ્ટિક જાય તેવી શક્યતા છે. સુરત પાલિકાએ એક એન.જી.ઓ. સાથે મળીને રવિવારે ડુમસ બીચ પરથી 250 જેટલો કચરો ઉલેચ્યો હતો જેમાં 25 કિલોથી વધુ પ્લાસ્ટિકનો કચરો હોવાનું બહાર આવ્યું છે.
સુરત પાલિકા સુરતીઓને હરવા ફરવાના સ્થળ એવા ડુમસ ડેવલપ કરવાની કામગીરી કરી રહી છે. હાલમાં ડુમસ સી ફેઝની કામગીરી ચાલી રહી છે આગામી દિવસોમાં આ સ્થળ સુરતીઓ માટે હોટ ફેવરિટ બની જશે. પરંતુ હાલમાં ડુમસ બીચ પર જે માત્રામાં કચરો ફેકાઈ રહ્યો છે તે સુરત પાલિકા અને પર્યાવરણ બંને માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. સુરતના દરિયા કિનારે શનિ- રવિ મોટી સંખ્યામાં લોકો જાય છે અને ખાણી પીણી કરીને મોજ મસ્તી કરી પરત ફરે છે.
પરંતુ ડુમસ દરિયા કિનારે આવેલા સુરતીઓ મોટી માત્રામાં કચરો બીચ પર જ ફેંકીને જઈ રહ્યાં છે. ભરતીના સમયે આ કચરો અને તેની સાથે ફેંકાયેલું પ્લાસ્ટિક પર્યાવરણ માટે જોખમી બની રહ્યું છે. સુરત પાલિકાએ ગઈકાલે બપોર સુધીમાં જેસીઆઈ મેટ્રો ક્લબ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ નું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર સુધીની કામગીરીમાં પાલિકા દ્વારા અઢીસો કિલોથી વધુ કચરો ડુમસ બીચ પરથી ઉલેચ્યો હતો. આ કચરા ઉપરાંત પાલિકાએ ડુમસ બીચ પરથી 25 કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો પણ ઉલેચ્યો હતો.
સુરત પાલિકા અને સ્વૈચ્છિક સંસ્થાએ ગઈકાલે આ કામગીરી કરી હતી પરંતુ દર વીક એન્ડમાં આ માત્રા કરતાં વધુ વધુ માત્રામાં કચરો અને પ્લાસ્ટિક નો જથ્થો ડુમસ બીચ પર ફેંકવામાં આવે છે તે કચરો અને પ્લાસ્ટિક ભરતી સમયે દરિયામાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં દરિયામાં વધુ પ્રદૂષણ થાય છે તે દરિયાયી જીવો માટે પણ જોખમી બની જાય છે. આવી જ સ્થિતિ કાયમ સર્જાતી હોવાથી પાલિકાના નેચર પાર્ક ની જેમ પાલિકા જો ડુમસ બીચ પર પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકે તો દરિયામાં થતું પ્લાસ્ટિકનું પ્રદૂષણ રોકી શકયા તેમ છે.