સુરત: પ્રકાશના પર્વમાં શહેર ઝગમગી રહ્યું છે ત્યારે પાલિકા કચેરીની લાઈટ બંધ
- દિવાળી દરમિયાન શહેર આખામાં લાઈટીંગ કરતી પાલિકાની મુખ્ય કચેરીમાં જ અંધારું
- મ્યુનિ. કમિશનરની આકસ્મિક મુલાકાત દરમિયાન મુઘલસરાઈની મુખ્ય કચેરીની લાઈટ બંધ દેખાતા મોડી રાત્રે ઈલેક્ટ્રીક વિભાગના વડા આશિષ નાયકને શો કોઝ નોટિસ ફટકારી
સુરત, તા. 12 નવેમ્બર 2023, રવિવાર
પ્રકાશના પર્વ એવા દિવાળીમાં આખા શહેરમાં સુરત પાલિકાએ લાઈટીંગ કરી છે ત્યારે સુરત પાલિકાની મુખ્ય કચેરીની જ લાઈટ બંધ હાલતમાં હતી. ગઈકાલે રાત્રે પાલિકા. કમિશનરની આકસ્મિક મુલાકાત દરમિયાન મુઘલસરાઈની મુખ્ય કચેરીની લાઈટ બંધ દેખાતા મોડી રાત્રે ઈલેક્ટ્રીક વિભાગના વડા આશિષ નાયકને શો કોઝ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કાળી ચૌદસની રાત્રે જ દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત એવા અધિકારીને નોટિસ મળતાં અન્ય અધિકારીઓ પણ સતેજ બની ગયા હતા.
સુરત મહાનગરપાલિકા દર દિવાળીએ સુરત શહેરના બ્રિજ અને પાલિકાની ઈમારત પર લાઈટીગ કરે છે અને આ લાઈટીંગ માટે મોટો ખર્ચ પણ કરે છે. આ ઉપરાંત સુરત પાલિકા અન્ય બિલ્ડીંગોમાં પણ લાઈટીંગ થાય તેવી અપીલ લોકોને કરે છે.જેના કારણે શહેરની અનેક સંસ્થા, ટેક્સટાઇલ માર્કેટ સહિત અનેક બિલ્ડીંગોમાં રોશની થતા સુરત શહેર દિવાળીના દિવસોમાં ઝગમગી ઉઠે છે.
જોકે, સુરત શહેરમાં પાલિકાના બ્રિજ અને મિલકતોમાં પાલિકા લાઈટ કરવા સાથે પાલિકાની મુગલીસરા સ્થિત કચેરીએ પણ લાઈટીંગ કરે છે. પાલિકાની આ કામગીરી લોકોમાં વખણાઈ રહી છે તો ગઈકાલે રાત્રે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ પોતે લાઈટીંગ જોવા માટે નીકળ્યા હતા. પરંતુ આશ્ચર્ય વચ્ચે સુરત પાલિકા કમિશનર, મેયર અને પદાધિકારીઓ સહિત હજારો કર્મચારીઓ બેસે છે અને મુલાકાતીઓ આવે છે તેવી મુગલીસરા કચેરી ની લાઈટો જ બંધ હાલતમાં જોવા મળી હતી. પાલિકાની મુખ્ય કચેરીમાં લાઈટ બંધ જોઈને મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ નારાજ થયાં હતા. તેઓએ મોડી રાત્રે જ લાઈટ વિભાગના વડા એવા એડીશનલ સીટી ઈજનેર ( ઈલેક્ટ્રીક ) આશીષ નાયકને શો કોઝ નોટિસ આપી દીધી હતી. જેના કારણે અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ટેન્શનમાં આવી ગયા હતા. જોકે, તહેવારના દિવસોમાં કોઈ અધિકારીને નોટિસ મળી હોય તેવો સંભવતઃ આ પહેલો બનાવ હોવાનું કહેવાય રહ્યું છે.