સુરતમાં વરાછા ઝોનના 26 દિવસથી ગાયબ અધિકારીનો ચાર્જ સોંપાયો પણ કોઈ પગલાં નથી ભરાયા
Surat Corporation : સુરત પાલિકાના વરાછા એ ઝોનમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગવામાં પ્રકરણમાં વિપક્ષ આપના બે કોર્પોરેટરો જેલવાસ ભોગવી ચુક્યા છે. આ કિસ્સામાં પાલિકાના ઝોનલ ઓફિસર અને એ.ઓર.ઓ.ની ભૂમિકા શંકાના દાયરામાં છે. પોલીસે તપાસ શરુ કરી ત્યારથી ઝોનલ ઓફિસર ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેઓએ આગોતરા જામીન માટે પણ અરજી કરી છે. પાલિકાએ રજા પર ઉતરેલા ઝોનલ ઓફિસરનો ચાર્જ તો આપી દીધો છે પરંતુ મંજુરી વિના રજા પર ઉતરેલા અધિકારી સામે કોઈ કાર્યવાહી ન કરી હોવાથી આક્ષેપ થયા તે અધિકારીઓને છાવરવામાં આવે છે ? તેવી ચર્ચા શરુ થઈ ગઈ છે.
મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.53 ના ફાઇનલ પ્લોટ નં.88 માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્ક છે તેમના કોન્ટ્રાક્ટર પાસે વિપક્ષના કોર્પોરેટર જીતુ કાછડીયા અને વિપુલ સુહાગિયાએ 10 લાખ રૂપિયાની લાંચ માગી હોવાથી ફરિયાદ કોન્ટ્રાક્ટર દ્વારા એસીબીમાં કરવામાં આવી હતી. આ લાંચની માંગણી પાલિકાના વરાછા ઝોનના આસી. કમિશનર ઓફિસમાં બેઠક કરવામાં આવી હતી અને તેમાં કાર્યપાલક ઈજનેરની ભૂમિકા પણ શંકાના દાયરામાં હતી. દિવાળી પહેલાં એસીબીએ આ અધિકારીઓને પૂછપરછ માટે પત્ર લખતાં બંને અધિકારીઓ ગાયબ થઈ ગયા હતા. જેમાં પાલિકાના વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર છેલ્લા 26 દિવસથી મંજુરી વિના રજા પર છે.
વરાછા એ ઝોનના ઝોનલ ઓફિસર કમલેશ વસાવાએ કોઈ પણ જાતનો રજાનો રિપોર્ટ મુક્યો નથી કે રજા મંજુર કરાવી નથી તેના વિના 26 દિવસ સુધી ભૂગર્ભમાં ઉતરી ગયાં છે. જો કોઈ સામાન્ય કર્મચારી મંજુરી વિના રજા પર ઉતરી જાય તો ઝોનની કામગીરીનો વહીવટ ખોરંભે પડે છે. ત્યારે અહીં તો કાર્યપાલક ઈજનેર જેવા મહત્વના અધિકારી 26 દિવસથી ગેરહાજર છે તેથી કામગીરી પર માઠી અસર પડી છે. આવી ગંભીર સ્થિતિ છતાં 25 દિવસ બાદ વરાછા એ ઝોનનો ચાર્જ સોંપાયો છે પરંતુ આટલા દિવસથી મંજુરી વિના ગેરહાજર છે તેવા કાર્યપાલક ઈજનેર સામે પાલિકાએ કોઈ પ્રકારના પગલાં ભર્યા નથી તેથી પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.