નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બનતા સુરતીઓએ શોધ્યો જુગાડ : રહેણાંક સોસાયટીના પાર્કિંગ બન્યા ગરબા ગ્રાઉન્ડ, લોકો ગરબના તાલે ઘૂમ્યા
Surat Navratri Special : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ધામધૂમ પૂર્વક નવરાત્રીમાં સુરતીઓ ઝુમી રહ્યાં છે ત્યારે છેલ્લા બે દિવસથી ગરબામાં વરસાદની એન્ટ્રી થઈ રહી છે. ગરબા સમયે વરસાદ વરસી રહ્યો છે પરંતુ સુરતીઓએ વરસાદમાં પણ ભીંજાયા વિના ગરબા રમવાનો જુગાડ કરી લીધો છે, સુરતની અનેક રહેણાંક સોસાયટીઓના પાર્કિંગ કે હોલમાં આરતી કરવા સાથે ગરબે ઘૂમી રહ્યાં છે. જ્યારે કેટલાક લોકોએ વરસાદ બંધ થવાની રાહ જોઈને રાત્રીએ 11 વાગ્યા પછી ગરબા શરૂ કર્યા તેનો મોડી રાત સુધી ખેલૈયાઓએ આનંદ ઉઠાવ્યો હતો.
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મા શક્તિની આરાધાનોનો પર્વ નવરાત્રી આખરી મુકામ પર આવી ગયો છે પરંતુ છેલ્લા બે દિવસથી સુરતમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને અચાનક ગરબા શરૂ થવાના થોડા સમય પહેલાં જ વરસાદ શરૂ થઈ રહ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા જોકે, ખેલૈયાઓ વરસતા વરસાદ વચ્ચે પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા આ વરસાદમાં ખેલૈયાઓમાં ભારે જોશ જોવા મળ્યો હતો.
શહેરના અનેક રહેણાંક સોસાયટીઓમાં માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદ વરસવાના કારણે ખેલૈયાઓ મુંઝવણમાં મુકાયા હતા. જોકે, કેટલાક ખેલૈયાઓએ વરસાદમાં કેવી રીતે ગરબા રમવા તેનો જુગાડ કરી દીધો હતો. મોટી સોસાયટીના પાર્કિંગમાંથી વાહન બહાર મૂકીને પાર્કિંગને ગરબાનું ગ્રાઉન્ડ બનાવી લીધું હતું. સુરતની અનેક સોસાયટીના પાર્કિંગ ગરબા પ્લોટ બની ગયા હતા અને ખેલૈયાઓ ગરબે મન મુકીને ઘૂમ્યા હતા. આ પહેલાં સોસાયટીના પાર્કિંગમાં માતાજીની આરતી પણ કરવામા આવી હતી. કેટલીક જગ્યાએ 108 આરતીનું આયોજન હતું. જોકે, વરસાદ હોવા છતાં પણ કેમ્પસના પાર્કિંગમાં આરતી કરી માતાજીની આરાધના કરી હતી.
જ્યારે બીજી તરફ કેટલીક રહેણાંક સોસાયટીઓમાં પાર્કિંગ નાનું હતું તેવી સોસાયટીઓમાં ખેલૈયાઓએ વરસાદ બંધ થવાની રાહ જોઈ હતી અને રાત્રીના 11 વાગ્યે વરસાદ બંધ થતાં સોસાયટીના કેમ્પસમાં ભરાયેલું પાણી ઉલેચીને કેમ્પસ ચોખ્ખું કરીને ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા. ગઈકાલે મોડી રાત્રીએ ગરબા શરૂ થયા હતા તેથી મોડી રાત્રી સુધી ગરબે ઘૂમ્યા હતા અને ખેલાયાએ વરસાદ ભુલીને માતાજીના ગરબે ઘૂમ્યા હતા. આ વરસાદના વિઘ્ન વચ્ચે પણ સુરતીઓ મન મુકીને ગરબા રમી રહ્યાં છે.